મૃતદેહ પર રૂપિયા પડાવતી ટોળકી : સુરતમાં કોરોના મૃતકના મોઢાંમાં ગંગાજળ મૂકવાનો ભાવ 3000 હજાર, મૃતદેહ સ્મશાન પહોંચાડવાના 1000 રૂપિયા

282

– સુરતમાં રોજ 100થી વધુ લોકોના કોવિડ ગાઈડલાઈન્સ પ્રમાણે અંતિમસંસ્કાર

સુરત : કોરોનાના કારણે સુરત શહેર જિલ્લામાં મૃત્યુનો આંકડો વધ્યો છે. જેને પગલે સ્મશાનમાં પણ વેઈટિંગ ચાલી રહ્યા છે.જ્યારે આવી સ્થિતિમાં પણ લેભાગૂઓ રૂપિયા પડાવવાનું ચૂકતા નથી.કોરોના દર્દીના મોત બાદ તેના દર્શન કરી મોઢાંમાં ગંગાજળ મકૂવાના 3000 રૂપિયા પડાવવામાં આવે છે.આ સાથે મૃતદેહને સ્મશાન પહોંચાડવા માટે 500થી લઈને 1000 રૂપિયા લેવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

સુરત શહેરમાં કોરોનાના કેસની સાથે મોતમાં પણ વધારો થયો છે.સુરત શહેરમાં રોજ 100થી વધુ લોકોના કોવિડ ગાઈડલાઈન્સ પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે.જે લોકોને મૃતક સાથે વધુ લાગણી હોય છે તે અંતિમસંસ્કાર માટે રૂપિયા પડાવતા લેભાગૂઓનો શિકાર બનતા હોય છે.પહેલાં મૃતદેહના અંતિમસંસ્કાર માટે વેઈટિંગ હોવાનું કહી ફસાવવામાં આવે છે.

મૃતદેહ પર રૂપિયા પડાવતા લોકો દ્વારા લોકોને કહેવામાં આવે છે કે, મૃતદેહને જે સ્મશાનમાં લઈ જવા માટે કહેવાયું છે ત્યાં ઘણું વેઈટિંગ છે,બોડી મૂકીને પરત આવી જવું પડશે.ત્યારબાદ વધુ ચર્ચા થયા બાદ કોઈ સ્મશાન એવું છે કે જ્યાં તમને મૃતકના દર્શન પણ કરવવામાં આવશે.ગંગાજળ મોઢામાં મૂકવા અને તુલસી ફુલ જેવી વસ્તુ મૂકવા દેવામાં આવશે. જોકે, તેના માટે 3000 રૂપિયા થશે. મૃતકના સગાંની લાગણીથી જોડાયેલા હોય રૂપિયાની ચૂકવણી પણ કરી દેતા હોય છે.આવી કેટલીક ફરિયાદો પણ બહાર આવી છે.

અગાઈ રાંદેરના પૂર્વ કોર્પોરેટરના પતિએ શબવાહિનીના ડ્રાઈવર દ્વારા પૈસા વસૂલાતા હોવાની ફરિયાદ કરી હતી.જેમાં કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પણ સસ્પેન્ડ કરાયો હતો.જોકે, આ બાદ પણ મૃતકના સગાં પાસે રૂપિયા વસૂલી થઈ રહી છે.મૃતકના સગા પાસેથી ઈચ્છા મુજબના સ્મશાનમાં લઈ જવા માટે 500થી 1000 રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપો થયા છે.

મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે, જે વિસ્તારના મૃતક હોય તેની વિરુદ્ધ દિશાના સ્મશાનમાં અંતિમવિધિ માટે મેમો મળ્યો છે તેવું મૃતકના સગાંને કહેવામાં આવે છે.સગા પોતાના વિસ્તારના સ્મશાનમાં અંતિમવિધિ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરે ત્યારે પહેલાં ઈન્કાર કરીને બાદમાં 500થી 1000 રૂપિયા વસૂલીને સગાં કહે તે સ્મશાનમાં મૃતદેને અંતિમક્રિયા માટે લઈ જવામાં આવે છે.જ્યાં પણ લેભાગૂઓ અંતિમસંસ્કાર માટે રૂપિયા પડાવવા તૈયાર હોય છે.આ પહેલાં પણ અશ્વિનીકુમાર સ્મશાનમાં વહેલા અંતિમસંસ્કાર માટે રૂપિયા પડાવાતા હોવાની ફરિયાદ થઈ ચૂકી છે.

Share Now