વેક્સીન માટે ધમકી મળે છે, ભારતમાં પાછા ફરવાની ઇચ્છા નથી, પુનાવાલાએ આવુ કેમ કહ્યુ ?

331

સિરમ ઇન્સ્ટીટ્યુટના સીઇઓ અદાર પુનાવાલાએ એવો દાવો કર્યો છે કે વધુમાં વધુ કોરોના વેક્સીન બનાવવા માટે મારી પર દબાણ થઇ રહ્યું છે.મને તાકાતવર લોકોની ધમકીઓ મળી રહી છે.હું હવે બ્રિટનમાં જ વેક્સીનનું ઉત્પાદન કરીશ.વેક્સીન બનાવવાની જવાબદારી મારી એકલાની નથી.વાય કેટેગરીની સુરક્ષા મળ્યા પછી લંડન જતા રહેલા પુનાવાલાએ ધ વિકને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતમાં કેટલાક શક્તિશાળી લોકો મારી પર વેક્સીનનું ઉત્પાદન વધારવા માટે દબાણ કરી રહ્યાં છે પરંતુ વેક્સીન બનાવવાની જવાબદારી મારી એકલાની નથી.આ દબાણને કારણે મેં મારી પત્ની અને બાળકો સાથે લંડન રહેવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું હતું કે લંડનમાં વધારેમાં વધારે સમય હું રહેવા માગું છું, કારણ કે આવી સ્થિતિમાં ભારતમાં પાછા ફરવાની મારી કોઇ ઇચ્છા નથી.હું આવી પરિસ્થિતિમાં ભારત રહેલા માગતો નથી.જ્યાં એક્સ,વાય કે ઝેડ કેટેગરીની સુરક્ષા મળતી હોય ત્યાં કલ્પી શકો છો કે શું ચાલી રહ્યું છે.કોવિશિલ્ડની કિંમત વધારે હોવાની વાત ખોટી હોવાનું કહીને પુનાવાલાએ દાવા સાથે કહ્યું હતું કે અમારી વેક્સીનની કિંમત ખૂબ વ્યાજબી છે. અમે કઇં પણ ખોટું કર્યા વિના કે નફાખોરી કર્યા વિના અમારાથી બનતું કરીએ છીએ. તેમણે કહ્યું કે બઘું મારા ખભા પર પડી રહ્યું છે.

પુનાવાલાએ કહ્યું કે કોરોના વેક્સીન માટે તેમની પર મોટી સંખ્યામાં ફોન આવી રહ્યાં છે અને ધમકીઓ પણ મળી રહી છે.તેઓ અત્યારે પરિવાર સાથે લંડન છે.તેઓ કહે છે કે બઘાંને એવું લાગે છે કે તેમને વેક્સીન પહેલાં મળવી જોઇએ પરંતુ તેઓ સમજતા નથી. ફોન કોલ કરનારા વ્યક્તિઓમાં રાજ્યોના મુખ્યમંત્રી,વ્યાપારી એસોસિયેશનો અને કેટલીક પાવરફુલ હસ્તીઓ છે.તેમણે કહ્યું કે તેમની કંપની બીજા દેશમાં વેક્સીન બનાવવા માટે કામ કરી રહી છે,ટૂંકસમયમાં તેની ઘોષણા કરાશે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીન (કોવિશિલ્ડ)ને મંજૂરી આપવામાં આવી હતી ત્યારે સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાએ 800 મિલિયન અમેરિકી ડોલરના ખર્ચે તેની વાર્ષિક કેપેસિટીને 1.5 થી 2.5 બિલિયન ડોઝની કરી હતી.સાથે જ કોવિશિલ્ડના 50 મિલિયન ડોઝ તૈયાર કર્યા હતા.આ કંપનીએ બ્રિટન સહિત વિશ્વના 68 દેશોમાં વેક્સીની નિકાસ પણ શરૂ કરી હતી.

Share Now