– સાંઈદીપ હોસ્પિટલના 2 કર્મચારી ઈન્જેક્શન આપવા આવતા પકડાયા
– કર્મચારીઓની કબૂલાતના આધારે સંચાલકની ધરપકડ, 3 સામે ગુનો નોંધાયો
સુરત : રેમડેસિવિરમાં ઉપરાછાપરી કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં ખટોદરા પોલીસે અણુવ્રતદ્વાર પાસે ડમી ગ્રાહક મોકલીને ભેસ્તાનની સાંઈદીપ હોસ્પિટલના બે કર્મચારીઓને કુલ 8 ઇન્જેક્શનો સાથે ઝડપી લીધા હતા.સાથે પોલીસે હોસ્પિટલના સંચાલકની પણ ધરપકડ કરી હતી.
કોઈ જગ્યાએ ઇન્જેક્શનના કાળાબજાર થાય છે તો અમુક તત્વોએ તો કુદરતનો ખોફ રાખ્યા વિના નકલી ઇન્જેક્શનો જ બનાવવાનું શરુ કરી દીધું હતું.આ દરમિયાન ખટોદરા પોલીસે પણ એક ઓપરેશન પાર પાડી દીધું હતું.પોલીસ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમયે મળેલી માહિતીને આધારે પોલીસની ટીમે પહેલા એક ડમી ગ્રાહકને ઇન્જેક્શન માટે ફોન કરાવડાવ્યો હતો અને પોલીસ અણુવ્રતદ્વાર પાસે ગોઠવાઈ ગઈ હતી.જ્યાં સુભાષ શ્રીરામસુમિરન યાદવ (રહે,ભાવિદર્શન સોસાયટી મગદલ્લા ગામ) આવ્યો હતો તેની પાસે બે ઇન્જેક્શનો હતા અને તેણે એકના 18 હજાર લેખે 36 હજાર માંગ્યા હતા. પોલીસે તેને પકડી લીધો હતો.
હકીકતમાં સુભાષ યાદવ ભેસ્તાનની સાંઈદીપ હોસ્પિટલમાં નોકરી કરે છે અને તેણે બીજા કર્મચારી વિશાલ રાજુભાઈ ઉગલે પાસે વધારે માત્રામાં રેમડેસિવિર ઇન્જેક્શન છે તેમ કહ્યું હતું.જેથી પોલીસે સુભાષના ફોનથી જ વિશાલને પણ બોલાવ્યો હતો.તે બીજા છ ઇન્જેક્શન લઈને આવી ગયો હતો.પોલીસે તેને પણ ઝડપી લીધો હતો અને 8 રેમડેસિવિર ઇન્જેક્શનો કિંમત કુલ.રૂ.35 હજાર કબજે લીધા હતા.
વધુમાં બન્નેએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે, સાંઈદીપ હોસ્પિટલના સંચાલક સૈયદ અઝમત અર્શલન આ ઇન્જેક્શનો ઊંચા ભાવે વેચવા માટે આપતો હતો.બીજી તરફ મોરબીના નકલી ઈન્જેક્શન કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે કૌશલ સહિતના આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધે તેવી શક્યતા પોલીસ સુત્રોએ વ્યક્ત કરી છે.