જાકાર્તા, તા. 5 મે : કોરોના સંક્રમણની વચ્ચે માનવતાને નેવે મુકીને દર્દીઓને લૂંટનારા લેભાગુઓ ભારતમાં જ છે તેવુ નથી.બીજી દેશોમાં પણ લોકોની લાચારીનો ઉપયોગ પૈસા રળવા માટે થઈ રહ્યો છે.
ઈસ્ટ એશિયાના દેશ ઈન્ડોનેશિયામાં બહાર આવેલા એક કિસ્સામાં એક દવા કંપનીના સંખ્યાબંધ કર્મચારીઓએ કોરોના માટે ઉપયોગમાં લેલાયેલી ટેસ્ટિંગ કીટને ધોઈને ફરી વેચી છે.પોલીસનુ કહેવુ છે કે, આ છેતરપિંડીનો શિકાર એરપોર્ટ પર ઓછામાં ઓછા 9000 લોકો થયા છે. આ માટે સરકારી કંપની સામે કેસ કરવામાં આવ્યો છે.
ભારત સહિત ઘણા દેશોમાં નાકમાંથી સ્વેબ લઈને ટેસ્ટિંગ કરવામાં આવતુ હોય છે.આ માટે રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટનો ઉપયોગ થાય છે.પોલીસનુ કહેવુ છે કે, ઈન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રા ખાતે આવેલા કુઆલાનામૂ એરપોર્ટ પર વપરાયેલી કિટોને ફરી ઉપયોગમાં લઈને ટેસ્ટ કરવાનુ કૌભાંડ ચાલતુ હતુ.
ઈન્ડોનેશિયામાં વિમાની મુસાફરી કરનારા માટે ટેસ્ટિંગ જરુરી છે.આ માટે એરપોર્ટ પર વ્યવસ્થા કરવામાં આવી છે.કુઆલાનામૂ એરપોર્ટ પર ટેસ્ટિંગ કરનારા પાંચ કર્મચારીઓ અને મેનેજરની ધરપકડ કરાઈ છે.એવી આશંકા છે કે, તેમણે વપરાયેલી કિટનો ઉપયોગ કરીને તેનો ફરી ઉપયોગ કર્યો હતો.
પોલીસે આ મામલામાં 23 લોકોના નિવેદન નોંધ્યા છે.વપરાયેલી કિટનો ઉપયોગ કરીને આ ટોળકીએ લગભગ એકાદ કરોડ રુપિયાની કમાણી કરી હોવાનુ મનાઈ રહ્યુ છે.દરમિયાન કેટલાક મુસાફરો પણ હવે આ કંપની પર કોર્ટમાં કેસ કરીને યાત્રી દીઠ 100 કરોડ રુપિયાનુ વળતર માંગવાના મૂડમાં છે.