નવીદિલ્હી, તા.7 : રશિયાએ ફરી એક વખત દુનિયાને બતાવી દીધું છે કે તે કોરોના વેક્સિન બનાવવાના મામલે કોઈથી કમ નથી.તેણે સીંગલ ડોઝવાળી વેક્સિન ‘સ્પુતનિક લાઈટ’ના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.આ જાણકારી રશિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આપી છે.આ વેક્સિન બનાવવા માટે રશિયન પ્રત્યક્ષ ભંડોળ (આરડીઆઈએફ) કોષ તરફથી નાણાકીય સહાયતા કરાઈ છે.આરડીઆઈએફે એક નિવેદનમાં કહ્યું કે સ્પુતનિક લાઈટ બે ડોઝવાળી સ્પુતનિક-વી જેનો પ્રભાવ 91.6 ટકા છે તેની તુલનામાં 79.4 ટકા પ્રભાવશાળી છે.એવું મનાય રહ્યું છે કે આ વેક્સિનના લાઈટ વર્ઝનથી વેક્સિનેશનને ગતિ મળશે અને મહામારીને ફેલાતી રોકવામાં પણ મદદ કરશે.
આરડીઆઈએફે જણાવ્યું કે એક ડોઝવાળા વેક્સિનની કિંમત 10 ડોલર મતલબ કે 737 રૂપિયાથી પણ ઓછી છે.આરડીઆઈએફના મુખ્ય કાર્યકારી અધિકારી કિરિલ દિમિત્રવે દાવો કર્યો કે સ્પુતનિક લાઈટ વેક્સિન હોસ્પિટલમાં દાખલ થનારા દર્દી પર કોરોનાની અસરને ગંભીર થતી અટકાવે છે.તેનો એવો પણ દાવો છે કે કોરોના વાયરસના તમામ સ્વરૂપ સામે આ વેક્સિન પ્રભાવશાળી સાબિત થશે.
સ્પુતનિક-વીના આ લાઈટ વર્ઝનને મોસ્કોની ગમલેયા રિસર્ટ ઈન્સ્ટીટયુટે તૈયાર કર્યું છે.રશિયાની બે ડોઝવાળી સ્પુતનિક-વીને અત્યાર સુધી 60થી પણ વધુ દેશમાં ઉપયોગ માટે મંજૂરી મળી ચૂકી છે અને તેમાં ભારત પણ સામેલ છે.વેક્સિનનો પહેલો જથ્થો ભારત પહોંચી પણ ચૂક્યો છે.ગત શનિવારે જ રશિયન વિમાન વેક્સિનના દોઢ લાખ ડોઝ લઈને હૈદરાબાદ પહોંચ્યું હતું. એવું મનાય રહ્યું છે કે આ વેક્સિનના આવવાથી હવે ભારતમાં પણ વેક્સિનેશન અભિયાનમાં ઝડપ આવશે.