29.32 કરોડના બોગસ બીલીંગમાં સલમાન ખાનની ધરપકડ

265

– અલ હદીદ ટ્રડર્સના સંચાલકે 15 બોગસ પેઢી બનાવી જુલાઇ-2017 થી ફેબુ્રઆરી-2020 દરમિયાન રૃા.5.55 કરોડની ક્રેડીટ ઉસેટી હતી

સુરત : 15 બોગસ પેઢીઓના નામે અંદાજે 29.32 કરોડના બોગસ બીલીંગ કૌભાંડ આચરીને કુલ રૃ.5.55 કરોડની ઈમ્પૂટ ટેક્ષ ક્રેડીટ ઉસેટી સીજીએસટી એક્ટનો ભંગ કરનાર શકદારની સુરત ડીજીજીઆઈની ટીમે ધરપકડ કરી સુરતની સીજીએમ કોર્ટમાં 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ સાથે રજુ કરતાં કોર્ટે શકદારને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.

સુરત ડીજીજીઆઈના ઈન્ટેલિઝન્સ ઓફીસરે મેટલ સ્ક્રેપના ખરીદ-વેચાણના બોગસ બીલીંગના આધારે આઈટીસી ઉસેટવાની આશંકાના આધારે પુણાગામ સત્યમ એપાર્ટમેન્ટમાં આવેલી મે.એ-વન ટેક્સટાઈલના શકદાર સંચાલક મંઝુર અહમદ અલીખાનની પ્રિમાઈસીસ પર તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન ઉપરોક્ત સ્થળે કોઈ ટ્રેડીંગ,માલસ્ટોરેજ કે વહનની કોઈ પ્રવૃત્તિ જોવા મળી નહોતી.વધુમાં જીએસટી રીટર્ન પરથી સચીન-હજીરા રોડ સ્થિત સપ્લાયર મે.ફોર સ્ટાર સ્ટીલ પર પણ તપાસ હાથ ધરવામાં આવતા બોગસ ઈન્વોઈસ બીલોના આધારે આઈટીસી ઉસેટવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતુ.જેથી ડીજીજીઆઈના અધિકારીઓની ટીમે મંઝુર અહમદઅલી ખાનનું સ્ટેટમેન્ટ લેતા તેના પુત્ર સલમાન ખાન દ્વારા મે.ફોરસ્ટાર સ્ટીલનું સંચાલન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતુ.

વધુમાં સલમાન ખાન દ્વારા મે.અલ હદીદ ટ્રેડર્સ ઉપરાંત કુલ 15 જેટલી બોગસ પેઢીઓના નામે જુલાઈ-2017 થી ફેબુ્રઆરી-2020 દરમિયાન માલની સપ્લાય કર્યા વિના કુલ રૃ.29.32 કરોડના બોગસ ઈન્વોઈસ બીલોના આધારે કુલ રૃ.5.55 કરોડની આઈટીસી ઉસેટી હોવાનું બહાર આવ્યું હતુ.જેથી સીજીએસટી એક્ટના ભંગ બદલ શકદાર સલમાન મંઝુર અહમદખાન (રે.નવાબ રેસીડેન્સી, ઉન પાટીયા)ની ધરપકડ કરી ડીજીજીઆઈની ટીમે કોવિડ-19 નો રિપોર્ટ નેગેટીવ આવતાં કોર્ટમાં રજુ કર્યો હતો. જેથી ડીજીજીઆઈ તરફે ખાસ નિયુક્ત એપીપી ધર્મેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે શકદારે બોગસ બીલીંગ કૌભાંડ આચરીને વિભાગમાંથી 5.55 કરોડથી વધુ રકમની આઈટીસી ઉસેટી છે.જેની તપાસ ચાલુ હોઈ શકદાર સાક્ષી પુરાવા સાથે ચેડા ન કરે તે માટે 14 દિવસ ના જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ કરી હતી.

Share Now