સુરતના સિટીલાઈટમાં બે વોચમેન વચ્ચે ગર્લફ્રેન્ડને લઈને મામલો બિચકાયો : એકને પતાવી દેવાયો

431

– સિટીલાઈટ મહારાજા આર્કેડના પાર્કિંગમાં જમતી વેળાએ મજાક બાદ હત્યા

સુરત : સિટીલાઇટ વિસ્તારમાં આવેલ મહારાજા આર્કેડના પાર્કિંગમાં ગતરોજ મોડીરાત્રે બે વોચમન મિત્રો સાથે જમવા માટે બેઠા હતાં.આ સમયે બંને વચ્ચે મજાક મસ્તીમાં ગર્લફ્રેન્ડની વાત નીકળી હતી.જેમાં બંને વચ્ચે બોલાચાલી થતા ઝઘડો થયો હતો. જેમાં એકે ઉશ્કેરાઈને લોખંડનો સળીયો મિત્રને મારી દેતા સામે ઇજાગ્રસ્તે તેના મિત્રને પેટના ભાગે તથા હાથના ભાગે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દેતા બંને લોહીલુહાણ થઇ ઢળી પડયા હતા.બંન્ને વચ્ચેની મારામારીમાં એક મિત્રને ગંભીર ઇજા થવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બનાવને પગલે ઉમરા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, સિટીલાઇટ રોડ પર આવેલ નવમંગલ કોમ્પ્લેક્ષમાં રહેતો 22 વર્ષિય અનિલ યાદવ મૂળ યુપીનો વતની છે.હાલમાં તે નવમંગલ કોમ્પ્લેક્ષમાં જ વોચમેન તરીકે ફરજ બજાવે છે.તેમની સાથે તેનો 10 વર્ષ જૂનો મિત્ર બિરજુ ગુમાન ઠાકુર જે મૂળ અમપીનો વતની છે.તે મહારાજા આર્કેડના પાર્કિંગમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે.દરરોજ રાત્રે તેઓ સાથે જ જમતા હતા.ગતરોજ રાત્રે 11 વાગ્યાના અરસામાં અનિલ,બિરજુ અને ઉમેશ ત્રણેય મિત્ર મહારાજા આર્કેડમાં બિરજુની ઓફિસમાં જમવા માટે બેઠા હતા.ત્યારે ત્રણેય મિત્રો મજાક મસ્તી કરતા હતા. જેમાં અનિલ યાદવે મજાક મસ્તીમાં બિરજુને તેની ગર્લફ્રેન્ડ વિશે પૂછ્યું હતું. જેથી બિરજુએ વાત પડતી મુકવા કહ્નાં હતું.પરંતુ ત્યારબાદ પણ અનિલે બિરજુને તેની ગર્લફ્રેન્ડ વિશે મજાકમસ્તી કરતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.

બોલાચાલી દરમિયાન બિરજુ એકદમ ઉશ્કેરાઇ જઇ તું મારી ઓફિસમાંથી નીકળ તેમ કહેતા અનિલ ઓફિસમાંથી નીકળી મહારાજા આર્કેડના પાર્કિંગમાં ગયો હતો.જ્યાં તેણે બિરજુને એલફેલ ગાળો આપી તારામાં દમ હોય તો ઓફિસમાંથી બહાર આવ તેમ કહી હંગામો મચાવ્યો હતો. જેથી બિરજુ અનિલ પાસે આવતા અનિલે તેની પાસેનો લોખંડનો સળીયો બિરજુના માથામાં મારી દેતા તે લોહીલુહાણ થઇ ગયો હતો.

આખરે બિરજુએ તેની પાસેનું ચપ્પુ કાઢી અનિલને પેટના ભાગે તથા હાથના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.જેથી તે પણ લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટના સ્થળે આવી હતી.અનિલને ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જયારે બિરજુને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.હાલ તો પોલીસે આ કેસમાં બિરજુ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Share Now