મુંબઇ, તા.૧૨: કોરોનાનો સકંજો ચારે દિશાઓમાં ફેલાઈ ગયો છે. વ્યકિતગત હોઈ કે કારોબારની દ્રષ્ટિએ કોરોનાએ સૌને મુસીબતમાં નાખી દીધા છે.અમુક ઉદ્યોગો તો સંપૂર્ણ બંધ થઇ ગઈ છે જયારે અમુક બંધ થવાની તૈયારીમાં છે.આ બધા વચ્ચે ગુજરાતમાં આવેલી ૧૦૦ જેટલી પેપર મિલની હાલત પણ ખરાબ છે.આગામી દિવસોમાં કોરોના કાબુમાં નહિ આવે તો આ તમામ યુનિટ લગભગ બંધ જ થઇ જશે.અત્યારે તો મહિનાનું લાખો ટન પેપર ઉત્પાદન ખતરામાં પડયું છે.
રેઈનબો પેપરના મલિક અજય ગોયેન્કા જણાવે છે કે ‘ગુજરાતમાં પેપર ઉદ્યોગ સારી રીતે વિકાસ પામી છે. લગભગ ૧૦૦ જેટલા યુનિટ કાર્યરત છે,પરંતુ કોરોનાની ભયાનકતાએ ઉદ્યોગનું નૂર હણી લીધું છે.એક વર્ષ અગાઉથી વ્યાપ્ત કોરોનાએ શાળા કોલેજો બંધ કરાવી જેના કારણે નોટબૂક અને પાઠ્ય પુસ્તકો છાપવાનો ઓર્ડર જ નહિવત રહ્યો.સ્કૂલમાં એકિટવિટી જ ન હોવાથી સ્ટેશનરીની હજારો દુકાનો બંધ છે અને તેની સીધી અસર પેપર ઉદ્યોગ ઉપર થઇ છે,આના કારણે ગુજરાતમાં જે મહિને ૫ લાખ ટન ઉત્પાદન થાય છે તે ઠપ્પ છે.
પેપર ઉદ્યોગ મુખ્યત્વે ત્રણ પ્રકારનું પેપર ઉત્પાદન કરે છે. ક્રાફટ, ડુપ્લેક્ષ અને રાઇટિંગ પ્રિન્ટ. હમણાં કાચા માલના ભાવ વધવાના કારણે પણ ઉદ્યોગ માં નફા સતત દ્યસાતા જાય છે.ભારતમાંથી જે બીજા દેશોમાં પેપર નિકાસ થતા હતા તે બંધ થઇ ગયા છે.ગુજરાતમાં એક મોટું યુનિટ મહિને સરેરાશ ૫ હજાર ટન પેપરનું ઉડાન કરે છે જે બંધ હાલતમાં છે.
ગુજરાતમાં પહેલા સ્વયંભૂ બંધ પછી ગુજરાત સરકારે કુલ ૩૬ મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુ નાખ્યો છે.સ્ટેશનરીની દુકાનો તો આખો દિવસ બંધ રહે છે.માત્ર જીવન જરૂરી વસ્તુઓ જ મળતી હોવાથી જે થોડો દ્યણો રિટેલ વેપાર ચાલતો હતો તે પણ બંધ થઇ ગયો છે.
હજુ પણ શાળા કોલેજો કયારે શરુ થશે તે કહી શકાય નહિ અને આ વર્ષ પણ જો ઓનલાઇન શિક્ષણ ચાલુ રહે અને પરીક્ષાઓ રદ્દ થાય તો તેની સીધી અસર પેપર ઉદ્યોગ ઉપર થવાની જ છે.હવે તો ત્યારે જ ગુજરાતનો પેપર ઉદ્યોગ ધમધમે જયારે કોરોના જતો રહે અને ત્યાં સુધી ઉત્પાદન કરીને માલ ભેગો કરવાના મૂડમાં હાલ ઉત્પાદકો નથી.