સામાન્ય રીતે લડાઈ બે દેશ-પ્રદેશ વચ્ચે ચાલતી હોય.. ઈઝરાયેલ અને હમાસની લડાઈમાં ઈઝરાયેલ દેશ છે તો હમાસ સંગઠન છે. એટલે લડાઈ દેશ અને સંગઠન વચ્ચે ચાલી રહી છે.
ઈઝરાયેલ તો જાણે દેશ તરીકે જાણીતો છે, પણ હમાસ શું છે?
તેનો જવાબ ઈતિહાસમાં બહુ પાછળ છૂપાયેલો છે. પણ આપણે ટૂંકમાં એટલું જાણીએ કે ‘હમાસ એ હરકત અલ મુકામાહ અલ ઈસ્લામિયા’ નામક સંગઠનનું ટૂંકુ નામ છે.આ સંગઠન પેલેસ્ટાઈનની આઝાદી માટે કામ કરે છે
તો પછી આ પેલેસ્ટાઈન શું છે?
એ માની લેવાયેલો દેશ છે, જ્યાં એક સમયે આરબોની વસતી હતી. 1947માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ પુરૂં થયું ત્યારે આ વિસ્તાર બ્રિટિશરોના કબજામાં હતો.બીજી તરફ યહુદીઓ યુરોપથી હિજરત કરી રહ્યા હતા.એટલે એમને વસાવવા આ ભૂમિ આપી દેવાનું નક્કી થયું.રાષ્ટ્રસંઘમાં તેનું મતદાન થયું જેમાં ઈઝરાયેલની સ્થપના ઉપરાંત જેરૂસલેમ શહેર આરબ-ઈઝરાયેલીઓ બન્ને પાસે રહે એવો ચૂકાદો આવ્યો.
યહુદીઓએ ચૂકાદો સ્વિકારી લીધો, આરબોએ ન સ્વિકાર્યો.યહુદીઓ પોતાને મળેલી ભૂમિ પર ઈઝરાયેલ દેશ બનાવી વસવા લાગ્યા અને ત્યારથી આરબો સાથે તેમને સંઘર્ષ શરૂ થયો.યહુદીઓ ભેગા મળીને આરબોને સાવ તો હાંકી કાઢી ન શકયા પણ આરબોની વસતી મર્યાદિત કરી દેવાઈ.એ મર્યાદિત વસતી આજે વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ઈસ્ટ જેરૂસલેમ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે.આ વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક દેશો ‘ઓક્યુપાઈડ પેલેસ્ટાઈન ટેરેટરી’ પણ કહે છે.ત્યાંજ હમાસ અને હિઝબુલ્લા સહિતના સંગઠનો આવેલા છે અને તક મળ્યે ઈઝરાયેલ પર હુમલા કરતા રહે છે.
ગાઝા પટ્ટી, વેસ્ટ બેન્ક અને જેરૂસલેમ શહેરનો ઈસ્ટ ભાગ એમાં આરબો રહે ત્યાં સુધી ઈઝરાયેલને વાંધો નથી.પરંતુ એ પ્રદેશોમાં રહીને ઈઝરાયેલમાં આતંક ફેલાતો રહે છે.હવે અત્યારની માથાકૂટનું કારણ વળી સાવ નવું છે.પેલેસ્ટાઈન ઈઝરાયેલની સરહદ પર શેખ જર્રાહ નામની નાનકડી વસાહત આવેલી છે. 6 મેના દિવસે ઈઝરાયેલની કોર્ટ એ ફેંસલો સંભળાવવાની હતી કે એ પેલેસ્ટાઈન વાસીઓ રહી શકે કે નહીં.
પેલેસ્ટાઈનવાસીઓ નહીં જ રહી શકે એમ માનીને ચૂકાદો આવે એ પહેલા વિરોધ પ્રદર્શન શરૂ થયું એટલે ઈઝરાયેલે એક મહિનાની મુદત પાડી દીધી.પણ ત્યાં સુધીમાં વિરોધ તો ચાલુ થઈ જ ગયો હતો, જે હવે મોટો બની ચૂક્યો છે.ઈરાન સહિત ઘણા દેશોનો હમાસ-હિઝબુલ્લા કે અન્ય ઈઝરાયેલ વિરોધી સંગઠનોને સાથ મળતો રહે છે.હમાસ તેને આઝાદ કરાવી ત્યાં પેલેસ્ટાઈન સ્થાપવા માંગે છે.એટલે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આ માથાકૂટ ચાલતી રહે છે.