નવી દિલ્હી : ઇંગ્લેન્ડના મહત્વપૂર્ણ ભાગરૂપ સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં ગુરૂવારે બ્રિટિશ ઇમિગ્રેશન અધિકારીઓએ બે ભારતીયોને અટકાયતમાં લેતા ભારે હંગામો થઇ ગયો હતો.સેંક્ડો લોકો અટકાયતના વિરોધમાં સડકો પર ઉતરી આવ્યા હતા.ભારતીયોને લઇને જઇ રહેલી વેનને ઘરેી લીધી હતી.આઠ-આઠ કલાક સુધી વેન તથા એમાં બેઠેલા ઇમિગ્રેશન અધિકારી ફસાયેલા જેવા રહ્યા.છેવટે પોલીસે પરિસ્થિતિને વણસતી જતી જોઇને બંને ભારતીયો વિરૂધ્ધ તપાસ બાકી રાખીને એમને છોડી મૂકયા.
ઇગ્લેન્ડ પાસેથી ઇમિગ્રેશન સંબંધી સત્તા આંચકી લેવા ઇચ્છતાં સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટુર્જને ઇમિગ્રેશન વિભાગની કાર્યવાહીને એક તરફી અને ખોટી ગણાવી છે.
જો કે ઇમિગ્રેશન અધિકારીઓના મતે સુમિત સહદેવ અને લખબીરસિંહ નામના જે બે ભારતીયોને પકડવામાં આવ્યા એ બંને સ્કોટલેન્ડમાં ગેરકાયદે વસી રહ્યા છે.સુમિત રસોઇયો છે,જ્યારે લખબીર મીકેનિક છે.બંને જણ 10 વર્ષ અગાઉ બ્રિટનમાં આવ્યા હતા, પરંતુ પાછળથી સ્કોટલેન્ડમાં સ્થાપી થયા હતા.બ્રિટિશ ઇમિગ્રેશન અધિકારીઓએ લોકોનું ટોળું એમને ઘેરવા માટે જમા થઇ રહ્યું હતું એ જોઇને સ્થાનિક પોલીસની મદદ માગી હતી.
સ્કોટલેન્ડ પોલીસે યુકે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દ્વારા જેને ઝડપવામાં આવ્યા એ બંને ભારતીયોને છોડી મૂકવાના નિર્ણયના બચાવમાં કહ્યું કે સુરક્ષા, જાહેર આરોગ્ય અને અટકાયત તથા એ પછીના વિરોધ સાથે સંકળાયેલા બધા લોકોના હિતમાં એમને છોડી મૂકાયા છે.કોરોનાના લીધે સ્કોટલેન્ડમાં મોટાં ટોળાના એકત્ર થવા પર હાલમાં પ્રતિબંધ છે.
આ બનાવનો વિસ્તાર સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર સ્ટુર્જનના પાર્લામેન્ટ ઇલેક્ટોરલ ડિસ્ટ્રિક્ટમાં આવેલો છે.સ્ટુર્જનની સ્કોટિશ નેશનલ પાર્ટી સ્કોટિશ સંસદની ગયા સપ્તાહે યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતી છે.સ્ટુર્જને કહ્યુ કે એમણે બ્રિટિશ સરકાર સમક્ષ બનાવ વિષે ફરિયાદ નોંધાવી છે.અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિને ટાળવા માટે જણાવ્યું છે.
સમગ્ર યુનાઇટેડ કિંગ્ડમ માટે ઇમિગ્રેશન નિયમો ઘડનાર બ્રિટનના આંતરિક મંત્રાલયે કહ્યું કે દેશમાં ગેરકાયદે વસતા લોકોને હાંકી કાઢવા માટે પોતે આયોજન સાથે ત્રાટકશે.