નવી દિલ્હી તા. ૧૮ : દેશના દક્ષિણ – પશ્ચિમ રાજ્યો પર ચક્રવાતી વાવાઝોડુ તૌકતે ત્રાટકવાનું જોખમ સર્જાયું છે.કેરળ – કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા બાદ આ ભીષણ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અત્યાર સુધીમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૧ લોકોના મોત થયા છે.જ્યારે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.સાથોસાથ ઘરોને પણ નુકસાન થયું છે.
વાવાઝોડાના ટકોરા વચ્ચે ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં આજે અને કાલે ભારે વરસાદની શકયતા છે.આફતને ભરી પીવા એનડીઆરફની ૫૦ ટીમો તૈનાત કરાઇ છે.ગુજરાતમાં તંત્ર એલર્ટ મોડ પર છે.સાથોસાથ માછીમારો તથા કાંઠે રહેતા લોકોને સલામત સ્થળે લઇ જવાયા છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું સાંજે કે ૧૮મીએ ગુજરાતના કાંઠે ત્રાટકી શકે છે.હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે આ વાવાઝોડુ ૨૪ કલાકમાં વધુ ખતરનાક બની શકે છે.૧૮મી એ સવાર સુધીમાં વાવાઝોડુ તૌકતે પોરબંદર અને મહુવાની વચ્ચેથી ગુજરાતના કાંઠાને પસાર કરી શકે છે.દરમિયાન મુંબઇમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.ભારે પવન ફુંકાય રહ્યો છે સાથે જ રીમઝીમ વરસાદ પણ પડી રહ્યો છે.
ગોવામાં વાવાઝોડાએ તરાહી મચાવી છે.વિવિધ ઘટનામાં ૨ના મોત થયા છે. ૧૦૦ જેટલા મકાનો નષ્ટ પામ્યા છે. ૫૦૦ વૃક્ષો પડી ગયા છે.કેરળમાં પણ બે વ્યકિતના મોત થયા છે.અલપુઝામાં કેડ સુધીના પાણી ભરાયા છે.કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં વાવાઝોડાએ તબાહી મચાવી છે.ઉડીપીમાં ૪ના મોત થયા છે. ૭૧ ઘર તબાહ થયા છે. ૨૭૦ થાંભલા પડી ગયા છે.