નવી દિલ્હી,તા.20 મે 2021 : ગુજરાત સહિતના બીજા રાજ્યોમાં તબાહી સર્જનાર તૌકતે વાવાઝોડાના કારણે 15000 કરોડ રુપિયાનુ નુકસાન થયુ હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે કુદરતી આફતો તેમજ ક્લાઈમેટ ચેન્જના ક્ષેત્રમાં કામ કરતી એક ગ્લોબલ કન્સલટન્સની ફર્મના રિપોર્ટમાં ઉપરોક્ત અનુમાન મુકવામાં આવ્યુ છે.વાવાઝોડાએ જે રાજ્યો પર અસર પહોંચાડી હતી તેમાં કેરાલા,કર્ણાટક,ગોવા અને મહારાષ્ટ્રનો પણ સમાવેશ થતો હતો.જોકે વાવાઝોડુ ગુજરાત અને દીવના દરિયા કિનારે ટકરાયુ હતુ અને સૌથી વધારે નુકસાન પણ અહીંયા જ થયુ છે.
જે રાજ્યોમાં વાવાઝોડાની અસર થઈ હતી તે તમામના નુકસાનનો કુલ સરવાળો 15000 કરોડ જેટલો થવા જાય છે અને આ પૈકી 50 ટકા નુકસાન દીવ અને ગુજરાતમાં થયુ હોવાનો અંદાજ છે.કેસ્ટર પ્રમાણે વાત કરવામાં આવે તો 50 ટકા જેટલુ નુકસાન કૃષિ સેક્ટરને થયુ છે. 15 થી 20 ટકા નુકસાન ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં જોવા મળ્યુ છે.બાકીનુ નુકસાન દરિયા કિનારાના બંદરો, યુટિલિટી સેકટર તેમજ પાવર અને ટેલિકોમ સેક્ટરને થયુ છે.
ગુજરાતામં હજારો એકર ખેતી તોફાન અને ભારે વરસાદના કારણે બરબાદ થઈ ચુકી છે.તમામ રાજ્યોમાં 2 લાખથી વધારે ઝાડ ધરાશાયી થયા છે. 17000 ઘરોને નુકસાન થયુ છે.ગુજરાતના સૌરાષ્ટ્રમાં કેરીની 75 ટકા ફસલ બરબાદ થઈ છે.બાજરા, મગ,મગફળી,ચીકુ,પપૈયાની ખેતીને પણ ભારે નુકસાન થયુ છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ગઈકાલે ગુજરાતનુ હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ અને વાવાઝોડામાં જીવ ગુમાવનારા લોકોને બે લાખ રુપિયાની સહાય આપવાની અને ઘાયલોને 50000ની સહાયની જાહેરાત કરી છે.