ઉત્તર પ્રદેશની આરોગ્ય સુવિધાઓને રામ ભરોસે ગણાવનાર અલ્લાહાબાદ હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે.બીજી તરફ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને જણાવ્યું છે કે તે અલ્લાહાબાદ હાઇકોર્ટના આદેશને સલાહ તરીકે જુએ.આ સાથે જ સુપ્રીમ કોર્ટે અલ્લાહાબાદ હાઇકોર્ટના એ આદેશ ઉપર પણ સ્ટે મૂકી દીધો છે જેમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને એક મહિનામાં દરેક ગામમાં આઇસીયુ સુવિધાઓવાળી બે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે હાઇકોર્ટોએ રાજ્ય સરકારોને એવા આદેશ ન આપવા જોઇએ જેનો અમલ શક્ય ન હોય.ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે એક મહિનામાં રાજ્યના દરેક ગામમાં આઇસીયુ સુવિધાવાળી બે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવી શક્ય નથી.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ વીનિત સરન અને બી આર ગવાઇની બનેલી વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે અલ્લાહાબાદ હાઇકોર્ટે 17 મેના રોજ આપેલા આદેશને માનવામાં આવશે નહીં.ઉત્તર પ્રદેશ સરકાર વતી સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા હાજર રહ્યાં હતાં.મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે હાઇકોર્ટના આદેશનો ઉદ્દેશ સારો હોય છે પણ તેના પર અમલ કરવો પણ અશક્ય ન હોવો જોઇએ.સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે હાઇકોર્ટ અને રાજ્ય સરકાર વચ્ચે સંતુલન જળવાઇ રહે.
ઉલ્લેખનીય છે કે 64 વર્ષના દર્દી સંતોષ કુમારના લાપતા થવાના કેસમાં સુનાવણી કરતા જણાવ્યું હતું કે રાજયની આરોગ્ય સુવિધા રામ ભરોસે ચાલી રહી છે.ત્યારબાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને એક મહિનામાં દરેક ગામમાં આઇસીયુ સુવિધાવાળી બે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો.આ આદેશની વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.