લાલુ યાદવને મળી મોટી રાહતઃ DLF લાંચ કેસમાં CBIએ આપી ક્લિન ચીટ

225

– એબી એક્સપોર્ટ દ્વારા ડીએલએફ એ લાંચ પહોંચાડી હોવાનો આરોપ

નવી દિલ્હી, તા. 22 મે, 2021, શનિવાર : બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ માટે વધુ એક રાહતના સમાચાર છે.જાણવા મળ્યા મુજબ સીબીઆઈએ ડીએલએફ લાંચ કેસમાં લાલુ યાદવને ક્લિન ચીટ આપી છે.વધુ વિગતો પ્રમાણે આ ક્લિન ચીટ હાલ નહીં પણ પૂર્વ ડિરેક્ટર ઋષિ કુમાર શુક્લાના કાર્યકાળમાં જ આપી દેવાઈ હતી.

2018માં સીબીઆઈએ પીઈ એટલે કે પ્રારંભિક તપાસ તરીકે આ કેસ નોંધ્યો હતો પરંતુ આ કેસની તપાસ બાદ જ્યારે કોઈ મજબૂત પુરાવો ન મળ્યો ત્યારે તેની ફાઈલ બંધ કરી દેવામાં આવી હતી અને લાલુ યાદવને ક્લિન ચીટ આપવામાં આવી હતી.

આ કેસમાં એવો આરોપ હતો કે, 2007માં કથિત શેલ કંપની એબી એક્સપોર્ટ પ્રા.લિ. એ દ્લિહીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં 5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી.આ કોલોની ડીએલએફ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. બાદમાં 2011માં લાલુ યાદવના બાળકો તેજસ્વી,ચંદા અને રાગિણીએ એબી એક્સપોર્ટને 4 લાખ રૂપિયામાં ખરીદી લીધી હતી.આ રીતે લાલુ યાદવને કરોડોની સંપત્તિ કથિત રીતે 4 લાખ રૂપિયામાં જ મળી ગઈ હતી.ત્યાર બાદ એવો આરોપ લાગ્યો હતો કે એબી એક્સપોર્ટ દ્વારા ડીએલએફ એ લાંચ પહોંચાડી હતી. આ લાંચ નવી દિલ્હી રેલવે સ્ટેશન અને બાંદ્રા રેલવે સ્ટેશન પ્રોજેક્ટના બદલામાં આપવામાં આવી હતી.

લાલુ યાદવ જામીન પર મુક્ત

ચારા કૌભાંડ સાથે સંકળાયેલા દુમકા ટ્રેઝરી કેસમાં લાલુ યાદવને ગત મહિને જામીન મળ્યા હતા.દુમકા ટ્રેઝરીમાંથી 3.13 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડ મામલે લાલુ યાદવને 7 વર્ષની સજા મળી હતી.

Share Now