નવીદિલ્હી, તા.24 : યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિ આયુર્વેદ ઉપર કોરોના મંડરાવા લાગ્યો છે.સંસ્થાના ડેરી કારોબારના સીઈઓ સુનિલ બંસલનું કોરોનાથી નિધન થયું હોવાનું બહાર આવ્યું છે. 57 વર્ષીય સુનિલનું મોત 19 મેએ જ થઈ ગયું હતું પરંતુ તેમના મોતના સમાચારને બહાર આવવા દેવાયા નહોતા.જો કે હવે સુનિલના મિત્રોના હવાલાથી આ અહેવાલ બહાર આવ્યા છે.
અહેવાલની માનીએ તો ઈન્ફેક્શન વધુ પડતું થઈ જવાથી સુનિલના ફેફસા ખરાબ થઈ ગયા હતા.સાથે જ તેમને બ્રેઈન હેમરેજ પણ થયું હતું.ત્યારબાદ તેમણે 19 મેએ હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા.ડેરી વિજ્ઞાનના સ્પેશ્યાલિસ્ટ સુનિલ બંસલે 2018માં બાબા રામદેવની સંસ્થા પતંજલિ આયુર્વેદના ડેરી કારોબારનો કાર્યભાર સંભાળ્યો હતો.આ એ સમય હતો જ્યારે પતંજલિ કંપનીએ પેકેઝ્ડ દૂધ,દહીં,છાશ અને પનીર સહિત દૂધના અન્ય ઉત્પાદનોને વેચવાની પોતાની યોજના જાહેર કરી હતી.
સુનિલના એક મીત્ર અને પૂર્વ બોસે જણાવ્યું કે તેમને છેલ્લા થોડા દિવસોથી ‘ઈક્મો’ પર રાખવામાં આવ્યો હતો. ‘ઈક્મો’ ઉપર દર્દીને ત્યારે રાખવામાં આવે છે જ્યારે તેમનું હાર્ટ અને ફેફસા કામ કરવાનું બંધ કરી દે છે.
ઉલ્લેખનીય છે કે બાબા રામદેવના એલોપેથિક દવાઓ અને કારોના પર અપાયેલા નિવેદનથી જોરદાર હોબાળો થઈ ગયો છે.આવા સમયમાં તેની જ સંસ્થાના સીઈઓ સુનિલનું કોરોનાથી નિધન થયું હોવાનું બહાર આવ્યું છે.શનિવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ યોગ ગુરુ બાબા રામદેવ પર એલોપેથી સારવાર વિરુદ્ધ જૂઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.