સાપુતારા : કોરોનાની બીજી લહેરમાં સાપુતારા ખાતે વેપારી મંડળ દ્વારા લગાવેલ આંશિક લોકડાઉન બાદ સરકારી જાહેરાતને લઈને મહિનાથી સાપુતારા સુમસામ હતું,જોકે રાજ્ય સરકારે લોકડાઉન હળવું કરતા જ ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.
એકતરફ છેલ્લા બે મહીનાથી વેપાર ધંધા વગર બેસેલા વેપારીઓ અને રોજગારી મેળવતા લોકોને રાહત મળી છે જ્યારે ઘરમાં કેદ થઈને બેસેલા શહેરીજનો પણ લોકડાઉનથી મુક્ત થતા હવાખાવાના સ્થળે જઈને મન પ્રફુલ્લિત કરી રહ્યા છે.પ્રાકૃતિક સૌંદર્ય સાથે સાપુતારાના આહલાદક વાતાવરણને માણવા આવેલ લોકો પરિવાર સાથે કોરોનાની ઘાતક બીજી લહેર ભૂલી ને હળવાશ અનુભવી રહ્યા છે.સાપુતારા ખાતે આવેલ વિવિધ પોઇન્ટ ઉપર હાલ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે,બોટિંગ પેરાગલાઇડિંગની મજા માણતા લોકો મહામારીથી માનસીક તાણ અનુભતા લોકો કુદરતી સૌંદર્ય સાથે એડવેન્ચર એક્ટિવિટી માણી ખુશી અનુભવી રહ્યા રહ્યા છે.ગિરિમથક ખાતે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠવા સાથે દરરોજ સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાય જતા આહલાદક માહોલ સર્જાય છે.તેમજ દિવસભર સુસવાટા મારતા ઠંડાંગાર પવન ફૂંકાતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.