નવી દિલ્હી, તા. ૨૮ :. જો બેન્કમાં તમારૂ ખાતુ હોય અને અચાનક બેન્ક ડુબી જાય તો તમને નિયમ અનુસાર ૫ લાખની ગેરેંટી મળે છે,પરંતુ દેશમાં એવા ૪.૮ કરોડ ખાતાઓ છે જેમને આ ગેરેંટી નથી મળતી.ડીપોઝીટ સામે ગેરેંટી મળે છે માત્ર ૨૪૭.૮ કરોડ ખાતાઓને.આ આંકડો માર્ચ ૨૦૨૧નો છે અને તે કુલ ખાતાઓની તુલનામાં ૯૮.૧ ટકા છે, એટલે કે લગભગ ૪.૮ કરોડ ખાતાઓને ડીઆઈસીજીસી હેઠળ સુરક્ષાચક્ર નથી મળતુ.
જો તમારૂ સહકારી બેન્કમાં થાપણ ખાતુ હોય તો તપાસ કરી લેવી જોઈએ કે શું તે ડીપોઝીટ ઈન્સ્યુરન્સ માટે રજીસ્ટર્ડ છે કે નહિ?
રીઝર્વ બેન્કના વાર્ષિક રીપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.કોઈ બેન્ક ફેઈલ થાય તો તે સ્થિતિમાં તમારા ખાતામાં પડેલા પૈસા પર એક વિમો હોય છે જેને ડીઆઈસીજીસી કહેવાય છે.તેમા પાછલા ૫૦ વર્ષથી ૧ લાખ રૂપિયાની ગેરેંટી અપાતી હતી પરંતુ આ વર્ષના ફેબ્રુઆરીમાં બેન્કોની ગોલમાલ પકડાયા બાદ તે વધારીને ૫ લાખ કરવામાં આવી છે.
જે હેઠળ બેન્કમાં પૈસા જમા કરતા ગ્રાહકને ફકત ડીઆઈસીજીસી હેઠળ વિમા કવચ મળે છે.રીઝર્વ બેન્કના રીપોર્ટ અનુસાર માર્ચ ૨૦૨૧ના અંતમાં બેન્કોમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત ખાતાઓની સંખ્યા ૨૪૭.૮ કરોડ હતી જે કુલ ખાતાઓની તુલનામાં ૯૮.૧ ટકા છે.આનો મતલબ એ છે કે લગભગ ૪.૮ કરોડ ખાતાઓને વિમા કવચનો લાભ મળતો નથી. દેશમાં કુલ ૨૫૨.૬ કરોડ બેન્ક ખાતા છે.
રીઝર્વ બેન્કના રીપોર્ટ અનુસાર માર્ચ ૨૦૨૧ના અંત સુધીમાં વિમાના દાયરામાં કુલ જમા ૭૬ લાખ ૨૧ હજાર ૨૫૨ કરોડ રૂપિયા હતી.જે કુલ થાપણ રૂ. ૧,૪૯,૬૭,૭૭૬ કરોડની થાપણના ૫૦.૯ ટકા છે.આનો અર્થ એ કે લગભગ ૪૯.૧ ટકા જેટલી બેન્કોમા રહેલી થાપણો ડીઆઈસીજીસી હેઠળ સુરક્ષીત નથી.થાપણનુ કવચ ભલે વધારીને ૫ લાખ કરાયુ પરંતુ તેમા બધી ડીપોઝીટ કવર નથી થઈ.જો કે આ કવચ બધી બેન્કો માટે ઉપલબ્ધ છે પરંતુ આ માટે રજીસ્ટ્રેશન કરાવવાનુ હોય છે અને સંબંધીત વિમા પ્રિમીયમ દેવાનુ હોય છે.
રીપોર્ટ અનુસાર બેન્કોનું ડીઆઈસીજીસીથી રજીસ્ટર્ડ ન હોવુ કે પ્રિમીયમનુ પેમેન્ટ ન કરવુ,ડીપોઝીટને કવચ નહિ કરવાનું મુખ્ય કારણ છે.જો તમે ૨૫ લાખ રૂપિયા જમા કરાવો તોે વધુમાં વધુ ૫ લાખની સુરક્ષા મળશે.બાકીના ૨૦ લાખ પર સુરક્ષા નહિ મળે.
વાર્ષિક રીપોર્ટ અનુસાર સહકારી અને સ્થાનિક બેન્કોમા નિષ્ફળતાના કારણે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૫ સહકારી બેન્કો અને એક લોકલ એરીયા બેન્કને તાળા લાગી ગયા.ઓડીટ વગરના આંકડા અનુસાર ડીઆઈસીજીસીએ વર્તમાન મહામારીમાં થાપણદારોને પેમેન્ટ આપવા માટે ૨૦૨૦-૨૧ દરમિયાન ૯૯૩ કરોડના દાવા પતાવ્યા.
આ ૯૯૩ કરોડ રૂપિયાના કલેમમાં ૫૬૪ કરોડ રૂ.ના દાવાનો નિપટારો ૨૦૨૦-૨૧ દરમિયાન ૯ સહકારી બેન્કોને મળી કરવામાં આવ્યો.
ડીઆઈસીજીસી દ્વારા બધી કોમર્શિયલ બેન્કોને આવરી લેવામાં આવેલ છે. ૩૧ માર્ચ સુધી વિમાથી રક્ષીત બેન્કોની સંખ્યા ૨૦૫૮ હતી જેમાં ૧૩૯ કોમર્શિયલ બેન્ક છે.જેમાંથી ૪૩ ગ્રામીણ,બે સ્થાનિક, ૬ પેમેન્ટ અને ૧૦ સ્મોલ ફાયનાન્સ બેન્ક છે.
આ સિવાય ૧૯૧૯ કો.ઓ. બેન્ક પણ રજીસ્ટર્ડ છે.જેમાથી ૩૪ સ્ટેટ કો.ઓ. બેન્ક છે.૩૪૭ જિલ્લા સહકારી બેન્ક અને ૧૫૩૮ અર્બન કો.ઓ. બેન્ક છે.આમ છતા એવી બેન્કોની ખાસ્સી સંખ્યા છે જે મોટાભાગની કો.ઓ. છે પરંતુ તે થાપણદારોને વિમો આપવા માટે ડીઆઈસીજીસી સાથે રજીસ્ટર્ડ નથી.