બારડોલી : સુરત જિલ્લાના બારડોલી ખાતેથી પસાર થતી મીંઢોળા નદીના કિનારે આવેલ એક ખેતરમાં ઢોરો ચરાવવા બાબતે બે ભરવાડ પરિવાર વચ્ચે મારામારી થઈ હતી.બારડોલીના જુના પાવરહાઉસ ખાતે રહેતો યુવાન પશુઓ ચરાવવા માટે ગયો હતો ત્યારે ત્યાં પશુ ચરાવી રહેલ ફળિયાના જ એક વ્યક્તિએ યુવાનને લાકડીના સપાટા માર્યા હતા અને ત્યારબાદ મિત્રો સાથે યુવાનના ઘરે પહોંચી પરિવારજનોને જણાવ્યુ હતું કે જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી નગર ખાતે આવેલ જુના પાવર હાઉસ ભરવાડ વાસ ખાતે રહેતા ભવનભાઈ જેસાભાઈ ભરવાડ (ઉ.વ.28) કે જેઓ પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે.ગત તા-26 મે ના રોજ તેઓ સવારે બારડોલી ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદીના કિનારે રાજુભાઇ ચંપકભાઈ કુભારની ખુલ્લી જગ્યામાં ઢોર ચરાવવા માટે ગયા હતા.ત્યારે રસ્તામાં રાજુભાઇ રેવભાઈ ભરવાડ તથા રણછોડ રેવાભાઈ ભરવાડ (રહે, જુના પાવરહાઉસ, ભરવાડવાસ) મળ્યા હતા.અને કહેવા લાગ્યા હતા કે તમારે રાજુભાઇ કુંભારની ખુલ્લી જગ્યામાં ઢોર ચરાવવા આવવાનું નહીં તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા.
જેથી જેસાભાઈ તેમના ઢોર લઈ ઘરે આવી ગયા હતા અને તેમના ભાઈ રત્નાભાઈને વાત કરી હતી.ત્યારબાદ રત્નાભાઈ બપોરના સમયે ઢોર ચરાવવા ગયા હતા. અને ભવનભાઈ પણ ત્યાં તેના ભાઈને પાણી આપવા માટે ગયા હતા.ત્યારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ રાજુભાઇ ભરવાડ ભવનભાઈ પાસે આવ્યો હતો અને બોલાચાલી કરી લાકડીના સપાટા વડે માર મારી ભાગી છૂટ્યો હતો અને જુના પાવર હાઉસ ખાતે પહોંચી તેના મિત્રો ગભા સંગ્રામ ભરવાડ,અર્જુન હરી ભરવાડ તથા રણછોડ રેવા ભરવાડ સાથે ભવનભાઈના ઘરે પહોંચી તેના પિતાને ધમકી આપી હતી કે તારા છોકરાએ જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપશે તો તેને જાનથી મારી નાંખીશું તેમ કહી જતાં રહ્યા હતા.બનાવ અંગે બારડોલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.