– કાદરશાની નાળ અપર્ણ એપાર્ટમેન્ટ ગેટ બહાર કાટપીટીયાઓનુ દબાણ દુર કરવામાં પાલિકા તંત્રને બીક લાગે છે
સુરત,તા.28 મે : સુરતમાં માથા ભારે દબાણ કરનારા સામે પાલિકા તંત્ર ઘુંટણીએ પડી રહ્યું હોવાથી દબાણ વધી રહ્યાં છે.નાનપુરામાં વર્ષો જુના દબાણ દુર કરવામાં પાલિકા તંત્રએ દબાણ દુર કરવાના બદલે નોટીસ આપતાં આશ્ચર્ય સર્જાયું છે.સામાન્ય લોકો દબાણ કરે તો પાલિકા કડકાઈથી દબાણ દુર કરીદે અને અને પોલીસ ફરિયાદ પણ કરે છે.પરંતુ નાનપુરા કાદરશાની નાળના દબાણ દુર કરવામાં પાલિકા તંત્રને બીક લાગી રહી છે જેના કારણે દબાણ દુર કરવાના બદલે નોટીસ આપવાનું નાટક કરી રહી છે.
સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં કાદરશાની નાળમાં જાહેર રસ્તા પરના દબાણ તો છે જ પરંતુ તેની સાથે અપર્ણ એપાર્ટમેન્ટની દિવાલને અડીને વર્ષોથી કાટપીટીયાએ કબ્જો જમાવ્યો છે.પાલિકાનો કાયદેસરનો વેરો ભરનારા એપાર્ટમેન્ટના રહીશોની હાલત એવી છે કે, ગેટની બહાર તેમના વાહનો પાર્ક કરવાની જગ્યા પણ નથી.એપાર્ટમેન્ટમા આવેલા મહેમાન ગેટ બહાર પાર્કિંગ કરે તો માથાભારે દબાણ કરનારા તેમની સાથે ઝઘડો કરે છે અને વાહનોને નુકસાન પણ પહોંચાડતાં હોવાની ફરિયાદ છે.
છેલ્લા કેટલાક વખતથી સ્થાયી સમિતિમાં સેન્ટ્રલ ઝોનના ગેરકાયદે દબાણની ફરિયાદ થતી હોય આ ફરિયાદ થાય તેવી વકી હોવાથી સેન્ટ્રલ ઝોને કામગીરી બતાવવા માટે નોટીસ આપી દીધી છે.પાલિકાના અન્ય વિસ્તારમાં જ્યાં કર્મચારીઓનો વિરોધ નથી થતો અને માન આપવામાં આવે છે ત્યાં પાલિકા તંત્ર સિક્યુરીટી અને પોલીસને લઈ જઈને ગેરકાયદે દબાણ તાત્કાલિક હટાવી દે છે.પરંતુ આ જગ્યાએ માથાભારે તત્વોના દબાણ હોવાથી પાલિકા તંત્રને બીક લાગી રહી છે.