સુરત : સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસની બીજી લહેરને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે.અને લોકડાઉનને કારણે સુરતમાં પણ ઘણી ખરાબ અસર થઈ છે.તેના કારણે શહેરના તમામ કામ ધંધા અને રોજગાર બંધ છે અને ગરીબ લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. એક ટાઈમનુ ભોજન મેળવવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે.લોકોને પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે તેવી પરિસ્થિતિમાં હાલમાં નવા વર્ષમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ શરૂ થઈ ગયો છે.
સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને નવા શરૂ થતાં સત્ર તેમજ એડમિશનમાં સ્કૂલ ફી માં સો ટકા માફી કરવાની માંગણી કરવામાં આવી હતી.શાળાના સંચાલકો દ્વારા ગરીબ તેમજ મધ્યમ વર્ગીય લોકો પાસે તેમના બાળકોનો અભ્યાસ તેમજ નવા પ્રવેશ માટે તાત્કાલિક અસરથી સ્કૂલ ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. માનવતા ન બચી હોય તેવી રીતે વાલીઓ સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે.એટલું જ નહીં સ્કૂલ ફી ના ભરે તો બાળકનું વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ નહિ આપવા જેવી ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.
આવેદનપત્ર દ્વારા એ માંગણી કરવામાં આવી હતી કે આ વર્ષની નવા વર્ષની પ્રવેશ ફી તેમજ શાળામાં વિદ્યાર્થીઓ જે વર્ગમાં ભણતા હતા તે વિદ્યાર્થીઓનું વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ વાલીઓને આપવામાં આવે અને ઉપલા વર્ગમાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવે.જેથી વાલીઓનું ભારણ ઓછું થાય અને વિદ્યાર્થીઓ માનસિક રીતે સ્વસ્થ રહીને આગળ અભ્યાસ કરી શકે.