ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની ઉત્તરાખંડ બ્રાન્ચે બાબા રામદેવને 1000 કરોડની માનહાનિ નોટિસ મોકલ્યા બાદ હવે ખુલ્લી ચર્ચા માટે પકડાર ફેંકયો છે. IMAએ બાબા રામદેવને કહ્યું કે તેઓ એ એલોપેથિક હોસ્પિટલોના નામ બતાવે જ્યાં કોરોનાની સારવારના નામ પર પતંજલિની દવાઓ આપવામાં આવી.
વાત એમ છે કે બાબા રામદેવે એક ટીવી ડિબેટમાં દાવો કર્યો હતો કે એલોપેથિક હોસ્પિટલ પણ કોરોના સારવાર માટે પતંજલિની દવાઓનો ઉપયોગ કરી રહ્યા હતા. હવે IMAએ પડકાર ફેંકતા કહ્યું હતું કે બાબા રામદેવ ખુલ્લા મંચ પર આ દાવાને સાબિત કરે અને IMA સાથેના આખા વિવાદ પર ચર્ચા કરે. આની પહેલાં બાબા રામદેવે કહ્યું હતું કે તેઓ IMA સાથે 25 પ્રશ્નો પર જવાબ ઇચ્છે છે. રામદેવે તેના માટે IMAને ખુલ્લી ચિઠ્ઠી પણ લખી હતી.
તમે પૂછેલા 25 પ્રશ્નોના જવાબ પણ તૈયાર: IMA
બાબા રામદેવની તરફથી મોકલેલા પત્ર પર જવાબ આપતા IMAએ કહ્યું કે તેઓ પોતાની પેનલની સાથે એ 25 પ્રશ્નોના જવાબ માટે પણ તૈયાર છે. IMAએ બાબા રામદેવને કહ્યું કે તેઓ ખુલ્લી ચર્ચા માટે એક કોમન મંચ પર તેમની સામે આવે.
1000 કરોડ રૂપિયાના માનહાનિના કેસની નોટિસ ફટકારી
આની પહેલાં 26મી મેના રોજ IMA ઉત્તરાખંડે રામદેવને 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ ફટકારી છે.નોટિસમાં રામદેવને આવતા 15 દિવસમાં તેમના નિવેદન પર ખંડનનો વીડિયો અને લેખિતમાં માફી માંગવાનું કહ્યું છે.નોટિસમાં આ સિવાય રામદેવને 72 કલાકની અદંર કોરોનિલ કિટની ભ્રામક જાહેરાતને તમામ જગ્યાએથી હટાવાનુ કહ્યું છે, જ્યાં એ દાવો કરાયો છે કે કોરોનિલ કોવિડ રસી બાદ થનાર સાઇડ ઇફેકટ પર અસરકારક છે.