હેલ્લો કંટ્રોલ રૂમ : સલાબતપુરાના PSI પનારા દારૂના નશામાં ફરજ પર છે ! પૂર્વે કોર્પોરેટરે ફોન કર્યો

275

– તપાસ કરી તો પનારાનો આલ્કોહોલ રિપોર્ટ નીલ આવ્યોઃ અસલમ સાયકલવાળા સામે પીએસઆઇની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કેસ

સુરત : સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચંદ્રશેખર પનારાએ રાત્રિ કરફ્યૂ ભંગ કરનારને મુક્ત કરવાની ભલામણ માન્ય નહીં રાખતા તેઓ દારૂના નશામાં ફરજ બજાવી રહ્યા હોવાનો કોલ કરી પીએસઆઇની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ઉપરાંત કરફ્યૂ ભંગ કરનાર પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાઇકલવાળા વિરૂધ્ધ ફરીયાદ નોંધાય છે.

શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચંદ્રશેખર એસ. પનારા ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન માનદરવાજા ફૈઝા ચોક નજીક રાત્રિ કરફ્યૂનો ભંગ કરનાર શેખ મેહબુબ શેખ મોહમદ (ઉ.વ. 34 રહે. 624, રઝાનગર, ભાઠેના) અને કમાલુદ્દીન શાહબુદ્દીન શેખ (ઉ.વ. 38 રહે. 1095, રઝાનગર, ભાઠેના) વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.જેથી ભાઠેના વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અસ્લમ ફિરોઝ સાઇકલવાળા (રહે. માનદરવાજા, રીંગરોડ) ઉપરોકત બંનેને મુકત કરાવવા માટે પીએસઆઇ પનારાને ભલામણ કરી હતી.પરંતુ પીએસઆઇ પનારાએ ભલામણ ગ્રાહ્ય રાખવાનો ઇન્કાર કર્યો હતો.જેથી અસ્લમ સાઇકલવાળાએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો કે સલાબતપુરાના પીએસઆઇ પનારા દારૂ પીધેલી હાલતમાં ફરજ બજાવે છે.

જેને પગલે એસીપી,પીઆઇ મેહુલ કિકાણી ઉપરાંત નાઇટ રાઉન્ડમાં નીકળેલા ટ્રાફિક સર્કલ 2ના પીઆઇ જે.એસ. ગામીત પોલીસ મથકે દોડી ગયા હતા.જયાં આલ્કોહોલ એનાલાઇઝરની મદદથી પીએસઆઇ પનારાનો ટેસ્ટ કર્યો હતો પરંતુ ટેસ્ટ નીલ આવ્યો હતો.જેથી પીએસઆઇ પનારાએ દારૂના નશામાં ફરજ પર હોવાનો કોલ કરી પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ઉપરાંત રાત્રિ કરફ્યૂ ભંગ કરવા બદલ પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાઇકલવાળા વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે પીએસઆઇ પનારાએ જણાવ્યું હતું કે મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યો છે અને તે પણ નીલ આવ્યો છે.

જીસકી લાઠી ઉસકી ભેંસ : અસ્લમ સાઇકલવાલા

પીએસઆઇ પનારાનો હાવભાવ નશા કરેલી વ્યક્તિ હોય તેવો હતો અને ત્યાં હાજર પોલીસ કર્મીઓએ મામલો થાળે પાડયો.પીએસઆઇ પનારા લોકોને કાયદાનું ભાન કરાવતા હોય તો હું પણ એક જાગૃત નાગરિક છું.જેથી કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પરંતુ જીસકી લાઠી ઉસકી ભેંસ જેવું છે જવાબદાર-સક્ષમ અધિકારીઓ ચેકીંગમાં ગયા પણ મેડીકલ ચેકઅપ કરાવ્યું નથી.જો મેડીકલ ચેકઅપ કરાવતે તો ચૌક્કસ બ્લડમાં આલ્કોહોલ મળતે.મારા વિરૂધ્ધની ફરીયાદ મેન્યુપ્લેટેડ છે છતા હું તપાસમાં સહકાર આપીશ.

Share Now