મુંબઇ : મુંબઇની વિશેષ પીએમએલએ કોર્ટે મંગળવારે ભાગેડુ લિકર માંધાતા વિજય માલ્યાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જપ્ત કરાયેલી મિલ્કતો તેને લોન આપનારી બેન્કોના કોન્સોર્ટિયમને સુપરત કરી દેવાની મંજૂરી આપી છે.એક અઠવાડિયાથી વધુ સમયમાં ખાસ જજ જેસી જગદાલેએ આવો બીજો આદેશ જારી કર્યો છે.માલ્યાનું પ્રતિનિધિત્વ કરતી વકીલે કહ્યું હતું કે બેન્કો પાસે રાખનારી મિલ્કતનું સંયુક્ત મૂલ્ય અનેક હજાર કરોડોમાં હોઇ શકે છે.ઉલ્લેખનીય છે કે માલ્યા સામે તેમની બંધ પડેલી કંપની કિંગફિશર એરલાઇન્સ સહિત ~ ૯,૦૦૦ કરોડથી વધુની બેન્કોના લોન ડિફોલ્ટનો કેસ છે. આમાં તે આરોપી છે.સ્ટેટ બેન્કની આગેવાનીમાં ૧૭ જેટલી બેન્કોના કોન્સોર્ટિયમે માલ્યાને લોન આપી હતી.આ કોન્સોર્ટિયમે ઇડી દ્વારા જપ્ત મિલ્કતો તેમને સુપરત કરવાની માગણી કરી હતી.કોર્ટે કહ્યું હતું કે અરજીમાં નિયમ મિલ્કતો અરજદાર બેન્કોના હાથમાં જવી જોઇએ.જે માટે એક રિકવરી અધિકારીની નિમણૂક કરાઇ છે.કોર્ટે ઓર્ડર પર સ્ટે મુકવાની માલ્યાની અરજી નકારી દીધી હતી.
જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ ઓર્ડર શરતી છે.જેમાં સંબંધિત રિકવરી અધિકારીને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (રિસ્ટોરેશન ઓફ પ્રોપર્ટી) રૂલ્સ, ૨૦૧૬ની જોગવાઇઓ મુજબ એક શરત દાખલ કરવાની રહેશે.જોકે જેને ઓર્ડર સામે વાંધો હોય તે પાર્ટી તેને ઉપલી અદાલતમાં પડકારી શકે છે.