ભારતીય નૌસેનાની તાકાત વધારવા માટે શુક્રવારના સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે.સંરક્ષણ મંત્રાલયે પ્રોજેક્ટ 75-India હેઠળ 6 સબમરીનના નિર્માણને મંજૂરી આપી દીધી છે.ઘણા લાંબા સમયથી આ પ્રોજેક્ટ અટવાયેલો હતો,જેને હવે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં થયેલી એક બેઠકમાં 50 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.આ પ્રોજેક્ટને સ્વદેશી કંપની મઝગાંવ ડૉક્સ લિમિટેડ અને L&Tને સોંપવામાં આવ્યો છે.
હેવી ડ્યૂટી ફાયરપાવરની સુવિધા હશે
આ પ્રોજેક્ટ માટે બંને કંપનીઓ કોઈ વિદેશી શિપયાર્ડ સાથે મળીને સંપૂર્ણ પ્રોજેક્ટની જાણકારી સોંપશે અને બિડ લગાવશે.દરિયાઈ ક્ષેત્રમાં પોતાની તાકાત વધારવા માટે ભારતીય નેવીએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે.આના અંતર્ગત 6 મોટી સબમરીન બનાવવામાં આવશે, જે ડીઝલ-ઇલેક્ટ્રિક બેઝ્ડ હશે.આની સાઇઝ વર્તમાન સ્કોર્પિયન ક્લાસ સબમરીનથી 50 ટકા સુધી વધારે હશે. ભારતીય નેવી દ્વારા સબમરીનને લઇને જે ડિમાન્ડ રાખવામાં આવી છે,તેમાં તે હેવી ડ્યૂટી ફાયરપાવરની સુવિધા ઇચ્છે છે,જેથી એન્ટિશિપ ક્રૂઝ મિસાઇલની સાથે સાથે 12 લેન્ડ અટેક ક્રુઝ મિસાઇલોને પણ તહેનાત કરી શકાય.
ભારતીય નેવીની પાસે 140 સબમરીન અને સરફેસ વૉરશિપ
આ ઉપરાંત નેવીએ માંગ કરી છે કે સબમરીન 18 હેવીવેટ ટોરપીડોને લઇ જવાની ક્ષમતા રાખતી હોય.ઉલ્લેખનીય છે કે ભારતીય નેવીની પાસે લગભગ 140 સબમરીન અને સરફેસ વૉરશિપ છે.તો પાકિસ્તાની નેવી પાસે ફક્ત 20 જ છે.જો કે ભારતનો મુકાબલો ફક્ત પાકિસ્તાન સાથે જ નહીં,પરંતુ ચીન સાથે પણ છે,જે સતત હિન્દ મહાસાગરમાં પોતાના પગ પસારી રહ્યું છે.આ જ કારણ છે કે અરબ સાગરથી લઇને શ્રીલંકાથી અડીને આવેલા દરિયા સુધી ભારતે પોતાની નજર ટેકવી છે.