દિલ્હી : નાણા પ્રધાન નિર્મલા સિતારમને આજે ઇન્ફોસિસ અને તેના ચેરમેન નંદન નિલેકણીને ઇન્કમટેક્સ વિભાગની નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટના વપરાશમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે નવી વેબસાઇટ લોન્ચ થયા પછી વપરાશકારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતા તેમણે આ સંદર્ભમાં નાણા પ્રધાનને અનેક ફરિયાદો કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસને ૨૦૧૯માં ઇન્કમ ટેક્સ ફાઇલ કરવા માટેની નવી વેબસાઇટની રચના કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.ઇન્કમ ટેક્સ ફાઇલિંગની પ્રક્રિયાનો સમય ૬૩ દિવસથી ઘટાડી એક દિવસ કરવા તથા કરદાતાઓને ઝડપથી રિફંડ મળી રહે તે હેતુથી આ નવી વેબસાઇટ શરૃ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું.આ અંગેની જાહેરાત કરતા નિર્મલા સિતારમને આજે સવારે જણાવ્યું હતું કે નવી વેબસાઇટથી કરદાતાઓને ટેક્સ સંબધી કાર્યો ઝડપથી અને સરળતાથી કરી શકશે.
જો કે ત્યારબાદ જેમ જેમ આ કરદાતાઓએ આ વેબસાઇટનો ઉપયોગ શરૃ કરવા માંડયો તેમ તેમ સમસ્યાઓ વધતી ગઇ અને નાણા પ્રધાનને ફરિયાદો મળવાની શરૃ થઇ ગઇ. આ ફરિયાદો પછી નાણા પ્રધાને ટ્વિટર પર જણાવ્યું હતું કે મને આશા છે કે ઇન્ફોસિસ અને નંદન નિલેકણી અમારા કરદાતાઓને ગુણવત્તા અને સેવાની બાબતમાં નિરાશ નહીં કરે.
ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસે આ અગાઉ જીએસટી નેટવર્ક(જીએસટીએન) પોર્ટલની રચના પણ કરી હતી.જીએસટી પેમેન્ટ માટે આ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. શરૃઆતમાં આ પોર્ટલ પણ ધીમુ ચાલતુ હોવાની ફરિયાદ મળી હતી.