વૈશ્વિક સરકારોનું દેવું બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી વધુ

229

મુંબઈ : કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે.અમેરિકા,ચીન, ઈંગ્લેન્ડ,સિંગાપોર અને યુરોપના દેશોએ અર્થતંત્રને બચાવવા માટે આર્થિક પેકેજોની જાહેરાત કરી હતી.અલગ-અલગ દેશોએ અલગ અલગ રીતે દેવું વધારીને તો અમુક દેશો વધુ ચલણી નોટ છાપીને દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો હતો.

૨૦૨૦ના કોરોના મહામારીના કપરા કાળમાં વૈશ્વિક દેવું ૩૨ લાખ કરોડ ડોલર વધીને ૨૯૦.૬ લાખ કરોડ ડોલર થયું છે.સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે આગામી સમયમાં આ દેવામાં વધારો થશે,તેમ મૂડી’ઝ ઈન્વેસ્ટર સર્વિસે એક રીપોર્ટમાં જણાવ્યું છે.

ડિસેમ્બર, ૨૦૧૯માં ચીનમાં દેખા દેનાર કોરોના મહામારીને કારણે ૨૦૨૦ના વર્ષમાં વૈશ્વિક દેવામાં નોંધપાત્ર ૧૨.૩૭ ટકાનો વધારો જોવા મળ્યો છે.મૂડી’ઝે કહ્યું કે દેવાનું ભારણ વધતા સૌથી વધુ ખતરો આફ્રિકા અને કેરેબિયાના દેશોમાં વર્તાઈ રહ્યો છે.સરકારી દેવું ૨૦૨૦ના ચોથા ત્રિમાસિકગાળામાં વૈશ્વિક જીડીપીના ૧૦૫ ટકા એ પહોંચ્યું છે,જે કોરોના અગાઉના સમયે ૮૮ ટકા જ હતુ. ચોંકાવનારી વાત એ છે કે વિશ્વ યુદ્ધ-૨ બાદ વૈશ્વિક દેવાનો આંક જીડીપીના ૧૦૫ ટકાએ પહોંચ્યો છે.

મૂડી’ઝે રીપોર્ટમાં કહ્યું કે ઘરેલું દેવું ૨૦૧૯ના અંતમાં જીડીપીના ૬૧ ટકા હતુ,જે વધીને ૨૦૨૦ના અંતે ૬૬ ટકા થઈ ગયું છે.આ વધારો લોન મોરટોરિયમ અને રહેણાંક રિયલ એસ્ટેટ બજારોની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.

બિન-નાણાકીય કોર્પોરેટ ઋણમાં બીજા ક્રમનો સૌથી મોટો વધારો થયો છે.જીડીપીના ૯૩ ટકાની સામે ૨૦૨૦ના અંતે નોન-ફાઈનાન્શિયલ કોર્પોરેટ ડેટ જીડીપીના ૧૦૨ ટકા જેટલો થયો છે.વિકાસશીલ દેશોનો કોર્પોરેટ ડેટ ટૂ જીડીપી એડવાન્સ ઇકોનોમી કરતા પણ વધારે છે.નાણાંકીય કોર્પોરેટ દેવું ૮૦ ટકાથી વધીને એક જ વર્ષમાં ૮૬ ટકા થયું છે,તેમ રીપોર્ટમાં જાણવા મળ્યું છે.

Share Now