જીમ્નેશિયમને રાજ્ય સરકાર તરફથી પ્રોપર્ટી ટેક્સ અને ફિક્સ વીજચાર્જમાંથી રાહત આપવામાં આવી છે પરંતુ આ જીમ અને યોગ કેન્દ્રો ફરી ખોલવા અંગે કોઇ નિર્ણય ન થતા આ ઉદ્યોગની માઠી દશા બેઠી છે.કોરોનાની બીજી લહેરના કારણે ગુજરાતમાં છેલ્લાં ત્રણ મહિનાથી જીમ અને યોગ કેન્દ્રો સહિતની જગ્યાઓ બંધ છે. ૨૦૨૦માં પણ કોરોનાા કારણે જીમ છ મહિના બંધ રહ્યા હતા.બીજી લહેરની અસર ઓછી થઇ રહી છે ત્યારે હજુ સુધી જીમ-યોગ કેન્દ્રો ખોલવા અંગે નિર્ણય ન થતાં ફિટનેસ ઉદ્યોગ પર મરણતોલ ફટકો પડયો છે.અમદાવાદમાં અત્યારે ૩૦૦થી ૪૦૦ જીમ છે અને તેની સાથે જોડાયેલા ૧૫થી ૨૦ હજાર કર્મચારીઓની આજીવિકા અત્યારે નહીંવત્ છે.
માર્ચ-૨૦૨૦માં કોરોનાના કારણે લાદવામાં આવેલા લોકડાઉન સહિતના નિર્ણયો બાદ ફિટનેસ ઉદ્યોગને માઠી દશા બેઠી છે.માર્ચ-૨૦૨૦માં જીમ બંધ થયા બાદ સપ્ટેમ્બર-૨૦૨૦માં જીમ ખોલવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી.જો કે આ મંજૂરી વિવિધ એસ.ઓ.પી. અને નિયંત્રણો હેઠળ હોવાથી જીમ અને યોગ કેન્દ્રોમાં ઓછાં લોકોને પ્રવેશ આપી શકાતો હતો.બીજી લહેરમાં માર્ચ-૨૦૨૦ના મધ્યમાં તમામ જીમ અને યોગ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે અને હજુ તેને ખોલવા અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ૩૫૦થી પણ વધુ જીમ છે અને તેની સાથે ૧૫થી ૨૦ હજાર કર્મચારીઓ જોડાયેલા છે.જીમની આવક બંધ થઇ હોવાથી આ કર્મચારીઓને પણ થોડી રકમ અપાય છે અથવા પગાર સાવ બંધ છે.રાજ્યના ૬૦ હજારથી પણ વધુ લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા હોવાથી તેમની આજીવિકા અત્યારે નહીંવત્ છે.આ મુદ્દે વિવિધ શહેરોનો એસિસિએશનો અને સંચાલકો દ્વારા સરકારના સંબંધિત વિભાગોમાં રજૂઆત કરાઇ હતી કે હવે જીમ ખોવા અંગે સરકારે નિર્ણય કરવો જોઇએ.આ ઉપરાંત કસરત અને યોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધે છે જે આ મહામારીના સમયમાં મહત્વની જરૃરિયાત છે.