નવી દિલ્હી : યોગ ગુરુ બાબા રામદેવે કબૂલ્યું છે કે, ઇમરજન્સી સારવારમાં એલોપેથી વધુ અસરકારક છે. તેમણે ડ્રગ માફિયા પર વધુ એક વખત હુમલો કર્યો હતો અને જણાવ્યું હતું કે,તેમની લડાઈ દેશના ડોક્ટરો સામે નહીં,ડ્રગ માફિયા સામે છે અને તે ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, “હું પણ ટૂંક સમયમાં કોરોનાની વેક્સિન લઇશ.”
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ને સંબોધીને રામદેવે કહ્યું હતું કે, “એમનો તો ઇલાજ થઈ ગયો છે.અમારી લડાઈ દેશના ડોક્ટરો સામે નથી.જે ડોક્ટર્સ અમારો વિરોધ કરે છે તે કોઈ સંસ્થાના માધ્યમથી અમારો વિરોધ કરતા નથી.” આયુર્વેદ અને એલોપેથી વચ્ચેના વિવાદ પછી બાબા રામદેવે ફરી એક ડ્રગ માફિયાને ટાર્ગેટ કર્યા હતા.તેમણે ડ્રગ માફિયા સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.તેમણે કહ્યું હતું કે, “IMAનો ઇલાજ થઈ ગયો છે, જે સારી બાબત છે.ડ્રગ માફિયા સામે અમારી ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે.આ દુશ્મની કોઈ સંગઠન સામે નથી.દેશમાં જેટલા પણ ડોક્ટર્સ છે તે ધરતી પર ભગવાને મોકલેલા દેવદૂત છે.
બાબા રામદેવે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો એટલા માટે શરૂ કરાયા છે જેથી ડ્રગ માફિયા ઊંચા ભાવે દવાઓ ન વેચી શકે.તેમણે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું છે કે, ૨૧ જૂનથી તમામ લોકોને ફ્રી વેક્સિન કેન્દ્ર આપશે.બધાંએ વેક્સિન લેવી જોઇએ.તેની સાથે યોગ અને આયુર્વેદના માધ્યમથી સુરક્ષા કવચ તૈયાર કરવું જોઇએ. તેના લીધે કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં થાય.યોગ ગુરુએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કરફ્યુમાં રાહત આપી છે, પણ હજુ ચારધમની યાત્રા શરૂ થઈ નથી.સરકારે હવે કોરોનાના નિયમના પાલન સાથે ચારધામની યાત્રા શરૂ કરવી જોઇએ.મહામારીના પડકારને પહોંચી વળવાના પ્રયાસમાં વેપાર પર અસર પડવી જોઇએ નહીં.