
ફ્રેન્કફર્ટ : ફોક્સવેગનના ભૂતપૂર્વ સીઇઓ માર્ટિન વિન્ટર્કોર્ને એમિશન ટેસ્ટિંગમાં ગેરરીતિ માટે જવાબદાર ડીઝલ એન્જિન કૌભાંડ બદલ કંપનીને રૂ.૯૩.૫ કરોડ ચૂકવવા સંમતિ દર્શાવી છે.કંપનીએ ડીઝલ એન્જિન કૌભાંડ ઝડપથી નહીં પકડી શકવા બદલ માર્ટિનને જવાબદાર ઠેરવ્યો હતો.જર્મન ઓટો કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, તેને ડિરેક્ટર્સ અને ઓફિસર્સની કામગીરીથી થયેલા નુકસાન બદલ લાયેબિલિટી ઇન્શ્યોરન્સના રૂ.૨,૩૭૬ કરોડ મળશે.કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, એક લો ફર્મ દ્વારા કરાયેલી તપાસમાં વિન્ટર્કોર્ન સીઇઓ તરીકેની ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યા હતા.’ અમેરિકાની એન્વાયર્મેન્ટલ પ્રોટેક્શન એજન્સીએ ફોક્સવેગનના એવા સોફ્ટવેરનો ઉપયોગ કરતા પકડી હતી જેમાં કાર સરળતાથી એમિશન ટેસ્ટ પસાર કરી શકતી હતી અને સામાન્ય ડ્રાઇવિંગ વખતે તેમના એર પોલ્યુશન કંટ્રોલ બંધ કરી દેવાતા હતા.
વિન્ટર્કોર્ને ગેરરીતિના આરોપોને ફગાવી દીધા હતા,પણ EPA તરફથી નિયમોના ઉલ્લંઘનની નોટિસ પછી ૨૦૧૫ની ૧૮ સપ્ટેમ્બરે રાજીનામું આપ્યું હતું.ફોક્સવેગને માફી માંગી હતી અને કારમાલિકોને દંડ,રિકોલ કોસ્ટ,વળતર પેટે ૩૧ અબજ યુરોથી વધુની રકમ ચૂકવી હતી.ઉલ્લેખનીય છે કે, વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઓલ્ટરનેટિવ ફ્યુઅલ્સ,એન્જિન્સ એન્ડ એમિશન્સના અભ્યાસમાં મે ૨૦૧૪માં અમેરિકાના પર્યાવરણ નિયમનકર્તાઓને એમિશનની સમસ્યા અંગે ચેતવણી આપવામાં આવી હતી.