– સોમનાથ, દ્વારકા,ચોટીલા,શામળાજી અને પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલ્યાં
– એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે
– બેસણામાં 50 લોકો જઈ શકશે
ગુજરાત સરકારે 9મી જૂને મંદિર તથા હોટલ-રેસ્ટોરાં, જિમ અને બગીચા 11 જૂનથી શરતોને આધીન શરૂ કરવાની જાહેરાત કરી હતી,જેને પગલે આજથી રાજ્યમાં ધંધા-રોજગાર અને ખાણીપીણીથી લઈ જાહેર કાર્યક્રમોમાં અનેક મોટા ફેરફાર થયા છે. આજથી 15 દિવસ એટલે કે 26મી જૂન સુધી આ ફેરફારો સાથે ગુજરાત દોડશે.
આજ(11 જૂન)થી 26 જૂન સુધી હોટલ-રેસ્ટોરાંમાં સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50% ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે,સાથે જ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી યથાવત્ રાખવામાં આવ્યો છે.આ તમામ નિયંત્રણો અને છૂટછાટો 26 જૂન સુધી અમલી રહેશે.
રાજકીય-ધાર્મિક કાર્યક્રમો તથા બેસણામાં મહત્તમ 50 લોકો ભાગ લઈ શકશે.લારી-ગલ્લા,દુકાનો તથા ઑફિસોના સમયમાં પણ એક કલાકનો વધારો થયો છે.હવે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી દુકાનો-ઑફિસો ખુલ્લી રાખી શકાશે.સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે દરેક જગ્યાએ માસ્ક સહિતના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકપણે પાલન કરવાનું રહેશે.
દુકાનદારો-ગલ્લા સહિતના વેપાર-ધંધામાં એક કલાકની રાહત
તમામ દુકાનો,વાણિજ્ય એકમો,લારી-ગલ્લા,શોપિંગ કોમ્પ્લેક્સ,માર્કેટયાર્ડ,હેર કટિંગ સલૂન,બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે,એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે.
લાઇબ્રેરી-જિમ 50 ટકા કેપેસિટી સાથે ખુલ્લાં રહી શકશે
લાઇબ્રેરી એની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ-બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.જિમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસઓપીનું પાલન આવશ્યક રહેશે.
રાજકીય,સામાજિક કાર્યક્રમો 50 વ્યક્તિની મર્યાદામાં થઈ શકશે
રાજ્યમાં રાજકીય,સામાજિક (બેસણું) ધાર્મિક,સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસઓપીના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે.
દેવ-દર્શન માટે એકસાથે 50 વ્યક્તિ જ એકઠી થઈ શકશે
રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે,પરંતુ એક સમયે એકસાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસઓપીનું પાલન અવશ્યપણે થાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે.
26મી પછીથી શું?
જૂનના અંતે એટલે 26મીએ કોરોનાની સમીક્ષા કર્યા પછી વધુ છૂટછાટના નિર્ણય લેવાશે. નાઈટ કર્ફ્યૂ 9ના બદલે રાત્રે 11થી સવારે 6 સુધી થઈ શકે છે,કડક નિયંત્રણો સાથે સ્વિમિંગ પૂલ ચાલુ થઈ શકે છે પણ સિનેમાગૃહો,મલ્ટિપ્લેક્સ માટે હજુ રાહ જોવી પડશે.