માંગરોળ : ગુજરાતમાં દારૂબંધી મજાક બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.ઠેર-ઠેર દારૂની બોટલો જ નહિ પણ ટ્રકો ભરીને સુરત જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં પકડાય રહ્યો છે.સુરત જિલ્લામાં એક પછી એક તાલુકામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડાય રહ્યો છે.ત્યારે માંગરોળ તાલુકાનાં કોસંબા ગામની સીમમાં ને.હા-48 ઉપરથી એક ટ્રકમાંથી એલસીબી પોલીસે 12.91 લાખના વિદેશી દારૂ સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વિદેશી દારૂની જાણે કે છુટ હોય તેમ તાલુકાઓમાં વિદેશી દારૂનો જથ્થો મળી રહે છે.છતાં સ્થાનિક પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે.થોડા દિવસ અગાઉ બારડોલી તાલુકાનાં ઉમરાખ ગામેથી સલામનો 14.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો અને તેના બે થી ત્રણ દિવસ બાદ પલસાણા તાલુકામાંથી પણ લાખોનો દારૂ ઝડપાયો છે.ત્યારબાદ માંગરોળ તાલુકાનાં કોસંબા ગામની સીમમાં ને.હા-48 ઉપરથી સુરત જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબની ટ્રક નંબર જીજે-10-ડબલ્યુ-6147 આવતા પોલીસે તેને અટકાવી હતી અને પાછળના ભાગે તપાસ કરતાં તેમાં મુકેલ પ્લાસ્ટિકના ભંગારની ગુણોની આડમાં લઈ જવાતો વિદેશી દારૂની કુલ બોટલ નંગ 7980 કિંમત રૂ. 12,91,200 નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ટ્રક ચાલક રોનક જગદીશચંદ્ર પટેલ (રહે, નોગામાં, મીઠાફળિયું, તા-ચીખલી, જી-નવસારી) તથા ક્લીનર નીલકુમાર દિનેશભાઇ ભાવસાર (નોગામાં, વાણિયાવાડ, તા-ચિખલી) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અશ્વિન પટેલ (રહે, કમરોલી, તા-ઓલપાડ) વિદેશી દારૂ ભરાવનાર સદ્દામ (રહે, દમણ) તથા વેદપ્રકાશ ઉર્ફે શાહરૂખ શર્મા (રહે, દમણ) ને વોંટેડ જાહેર કર્યા હતા.પોલીસે કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.