અયોધ્યા : જેના હાથ રામ ભક્તોના લોહીથી રંગાયેલા છે તે સલાહ ન આપે, જમીન વિવાદ મુદ્દે કેશવ મૌર્ય

251

– સપા, આપ બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે આ મુદ્દે ટ્વીટ કરી હતી

નવી દિલ્હી, તા. 14 જૂન : અયોધ્યામાં રામ મંદિર સાથે સંકળાયેલી જમીનની ખરીદીમાં ગોટાળાના આરોપનો મુદ્દો સતત ઉગ્ર બની રહ્યો છે.આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી સતત આ મુદ્દે આરોપો લગાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યએ આ મુદ્દે તમામ આરોપોનો જવાબ આપ્યો છે.

કેશવ પ્રસાદ મૌર્યના કહેવા પ્રમાણે જેમના હાથ રામ ભક્તોના લોહીથી રંગાયેલા છે તેઓ સલાહ ન આપે.જો કોઈ આરોપ લાગ્યો છે તો તેની તપાસ થશે. જો કોઈએ ગરબડ કરી છે તો તેના વિરૂદ્ધ એક્શન લેવામાં આવશે.રામ મંદિરનું નિર્માણ સતત ચાલી રહ્યું છે, બહારના લોકો સલાહકાર ન બને.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હાલ આરોપો લાગ્યા છે અને હવે તપાસ થશે. જો કોઈ દોષી ઠેરવાશે તો એક્શન લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, જમીન ખરીદી વિવાદ મુદ્દે યુપી સરકાર કે બીજેપીના કોઈ મોટા નેતા તરફથી આ પહેલું રિએક્શન સામે આવ્યું છે.

પ્રિયંકા ગાંધીએ પણ ઉઠાવ્યા ગંભીર સવાલ

સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવી દીધું છે.કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે આ મુદ્દે ટ્વીટ કરી હતી.પ્રિયંકાએ લખ્યું હતું કે, કરોડો લોકોએ આસ્થા અને ભક્તિભાવથી ભગવાનના ચરણોમાં ચઢાવો ચડાવ્યો.તે ફાળાનો દુરૂપયોગ થાય તે અધર્મ છે,પાપ છે,તેમની આસ્થાનું અપમાન છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે સૌથી પહેલા સપા અને આપ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.આરોપ છે કે રામ મંદિર માટે એક જમીન 18 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે,પરંતુ 10 મિનિટ પહેલા જ તેની રજિસ્ટ્રી 2 કરોડ રૂપિયાની કિંમતના આધારે કરવામાં આવી હતી.વિપક્ષે આ કરોડો રૂપિયાના કૌભાંડનો જ આરોપ લગાવ્યો છે.

જોકે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આ તમામ આરોપોને પાયાવિહોણા અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા હતા.ટ્રસ્ટ ઉપરાંત અયોધ્યાના મેયરે પણ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા.

Share Now