રાજસ્થાનમાં મોબ લિંચિંગ ગૌતસ્કરીની શંકામાં ટોળાએ યુવકની હત્યા કરી

233

જયપુર : રાજસ્થાનના ચિતોડગઢમાં મોબ લિંચિંગની ઘટના બની છે.ગાયોની તસ્કરીના આરોપમાં એક વ્યક્તિની મારપીટ કરીને હત્યા કરવામાં આવી છે.જ્યારે બીજા વ્યક્તિની હાલત ગંભીર છે.પીડિત મધ્યપ્રદેશના અચલપુરનો રહેવાસી છે.આ ઘટના રવિવારે મોડી રાત્રે બની છે.એક ટેમ્પોમાં ગાયો લઈ જવામાં આવી રહી હતી અને સાથે બે વ્યક્તિ હતા.જ્યારે આ લોકો ગાયો લઈને બેગૂ નામની જગ્યાએ પહોંચ્યા તો ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને ગૌ તસ્કરીના આરોપમાં ટોળાએ મારપીટ શરુ કરી હતી.ટોળાએ કરેલી મારપીટ બાદ બાબૂલાલ ભીલનું હોસ્પિટલમાં લઈ જતી વખતે અવસાન થયું હતું, જ્યારે પિન્ટુ ભીલને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે,જ્યાં તેની હાલત પણ ગંભીર છે.રાજસ્થાન પોલીસે આ મામલામાં કેટલાક લોકોની ધરપકડ કરી છે.ચિતોડગઢના પોલીસ વડાએ જણાવ્યું કે, 13 અને 14મી જૂનની મધ્યરાત્રે ચિતોડગઢ જિલ્લાના બિલખંડા ગામથી બે વ્યક્તિ ગાયો લઈ જઈ રહ્યા હતા.ત્યારે તેમના પર ટોળાએ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે જલદી કાર્યવાહી કરીને દોષિતોને સજા કરવાનો ભરોસો આપ્યો છે.

Share Now