સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ પડવાથી બાળકીનું મોત થયું છે.સરસ્વતી આવાસમાં મોડીરાતે સ્લેબ ધરાશાયી થયો હતો.આ ઘટનામાં 8 મહિનાની બાળકીનું મોત થયું છે.એપાર્ટમેન્ટના પહેલા માળે પરિવાર ઘરમાં સૂતો હતો તે દરમિયાન આ ઘટના બની હતી.તો સ્લેબ પડવાની ઘટનામાં બાળકીના મોતથી પરિવાર રોષે ભરાયો છે.અને બાળકાનાં મૃતદેહને સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.સરસ્વતી આવાસ જર્જરિત હાલતમાં હોવાથી પરિવારજનોએ આ એપાર્ટમેન્ટના
રિ-ડેવલપમેન્ટની માગ કરી છે.સાથે જ આવાસના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની પણ અપીલ કરી છે.
મળતી વિગતો પ્રમાણે, રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો.અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસની એક બિલ્ડિંગના મકાનની છતના પોપડા ધડાકાભેર તૂટી પડતા માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા.તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી.
સિયાના પિતા ટેમ્પો ચાલક હોવાનું અને માતા ગૃહિણી હોવાનું જાણવા મળ્યું છે. આ પરિવાર મૂળ એમપીનો છે અને સુરત ખાતે રહે છે.પોપડા પડતા હોવાની વારંવાર પાલિકાને જાણ કરાઈ છે છતાં કોઈ રિપેરીંગ કરતા નથી.7-8 વર્ષ જુના આવાસમાં વારંવાર પોપડા પડવાની ઘટના બાદ પણ બેજવાબદાર બનેલા પાલિકાના અધિકારીઓના પાપે માસુમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે.ખાડે પરિવાર ભાડા પર રહેતા હતા.માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી અજાણ રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે.જોકે રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ જોવા મળ્યો છે.