– અમરનાથ યાત્રા આ વર્ષે પણ પ્રતિકાત્મક હશે અને તમામ ધાર્મિક પરંપરાઓ પવિત્ર ગુફામાં જ પુર્ણ કરાશે.
નવી દિલ્હી : કોરોના પ્રકોપને કારણે અમરનાથ યાત્રાને સતત બીજા વર્ષે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. કોવિડ-19ના કારણે મોટા ધાર્મિક ઉત્સવો અને ભીડ એકત્ર થવા પર પ્રતિબંધ છે.તેને લઈને જ યાત્રાને રદ કરાઈ છે.દેશમાં કોરોનાની બીજી લહેરની સ્થિતિને જોઈ અગાઉ અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન સ્થગિત કરી દેવાયુ હતુ.શ્રી અમરનાથ સાઈન બોર્ડે પણ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હોવાનું કહ્યુ હતુ.
દેશમાં મહામારીની સ્થિતિ સામાન્ય હોત તો 56 દિવસોની અમરનાથ યાત્રાનો આરંભ 28મી જૂનથી બંને રૂટથી થનાર હતો.તેમજ 22મી ઓગષ્ટે રક્ષાબંધનના પર્વે તેનું સમાપન થનાર હતુ. અમરનાથ યાત્રાને લઈ ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે બેઠક યોજી હતી.જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ પણ બે દિવસ પૂર્વે કહ્યુ હતુ કે સરકાર ટૂંકસમયમાં જ અમરનાથ તીર્થયાત્રાને લઈ નિર્ણય કરશે.
સિન્હાએ કહ્યુ હતુ કે લોકોનો જીવ બચાવવો વધારે જરૂરી છે.વર્ષ 2020માં પણ મહામારીના કારણે યાત્રાને રદ કરાઈ હતી.જમ્મુ-કાશ્મીરના લેફ્ટનેન્ટ ગર્વનર કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યુ કે અમરનાથ યાત્રા આ વર્ષે પણ પ્રતિકાત્મક હશે અને તમામ ધાર્મિક પરંપરાઓ પવિત્ર ગુફામાં જ પુર્ણ કરાશે.