રાજ્યમાં લવ જેહાદનાં કાયદો લાગુ કર્યા બાદ વડોદરા અને વલસાડમાં મળીને કુલ બે કેસ નોંધાઇ ચૂક્યા છે.જબરદસ્તીથી લઘુમતી કોમના યુવકો દ્વારા હિંદુ યુવતીઓને પટાવી-ફોસલાવી યુવતીઓને ધર્મપરિવર્તન કરાવી તેમની સાથે નિકાહ પઢાવી લેવાના અનેક બનાવ બનતા હોય છે.ત્યારે આણંદ જિલ્લાનાં ખંભાત ખાતે તેનાથી વિપરિત કિસ્સો સામે આવ્યો છે.અહીં એક મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યાં છે પણ યુવતીના પરિવાર તરફથી દંપતિને જોખમ હોવાથી યુવતીએ પોલીસ રક્ષણ માગ્યું છે.
આ મામલે મળતી માહિતી અનુસાર,આણંદ જિલ્લાના ખંભાતના જૂની મંડાઈ સ્થિત સૈયદવાડા ખાતે રહેતી 20 વર્ષીય ફરમીનબાનુ મો. ફારુકાન સૈયદે પોલીસ વડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને આપેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે, તેણે 19 જૂનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા.લગ્નના બે દિવસ પહેલાં એટલે કે 17 જૂનના રોજ તેણે તેના પિતાનું ઘર પહેરેલાં કપડે છોડી દીધું હતું.
હાલમાં તેના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોઈ,તેઓ તેમને છુટ્ટા પાડવા હિંસક પ્રયાસો કરી રહ્યા છે.તેને તેમજ તેના પતિ ઉત્કર્ષને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે.જોકે તેણે હિંદુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે.હાલમાં દંપતી ભયભીત હોઈ ખંભાત છોડી સલામત સ્થળે આશરો લીધો હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ છે.
આ સાથે ફરમીન સૈયદે આપેલી લેખિત અરજીમાં કેટલાક નામો સૂચવીને તેમનાથી ડર હોવાનું પણ જણાવ્યું છે.જેમાં પિતા મો. ફુરકાન સૈયદથી,તેના કૌટુંબિક મામા એઝાઝ સૈયદ (રહે. પાંચ હાટડી) તથા તાકીર સૈયદ (રહે. સૈયદવાડો) તથા માથાભારે શખ્સ ફિરોઝ પઠાણ ઉર્ફે (ફન્ટર), સોહિલ ઉર્ફે કાંટો,સદ્દામ સૈયદ ઉર્ફે મારૂફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી સૈયદ ઉર્ફે દલાલ, તૌસિફ સૈયદ, જમશેદ જોરાવરખાન પઠાણથી ડર હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે.ફરમીનબાનુ સૈયદે પોતે પોતાની મરજીથી યુવક ઉત્કર્ષ પુરાણી સાથે લગ્ન કર્યા છે અને હાલમાં ખુશ છે એવો એક વીડિયો બનાવ્યો છે. 30 સેકન્ડનો આ વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ વાઇરલ કર્યો છે.