ચીનના કોમ્યુનિસ્ટ નેતાઓ અને કોમિયુનિસિઝ્મ વિરુદ્ધ અભયાન ચલાવતું ‘APPLE DAILY ‘ અખબાર બંધ !! પત્રકારોની ધરપકડ કરી જેલમાં નાખ્યા

287

– અમેરિકા,બ્રિટન અને યુરોપિયન યુનિયને કર્યો વિરોધ

હોંગકોંગ : લોકોના અવાજને વાચા આપતા મીડિયા ઉપર હવે તાનશાહી માફિયાઓ ત્રાટકયા છે અને હોંગકોંગમાં લોકશાહીનું સમર્થન કરનાર અખબાર ‘એપ્પલ ડેઈલી’ બંધ કરવાની ફરજ પડી છે.આ મીડિયા જૂથના બોર્ડ ઓફ ડિરેક્ટરે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે હોંગકોંગમાં હાલની સ્થિતિના કારણે અમારી પ્રિન્ટ અને ઓનલાઈન બંને આવૃત્તિ શનિવારે બંધ કરવી પડી રહી છે.

ચીની નેતાઓએ અખબારનો અવાજ કચડવા પુરી તાકાત લગાવી છે,ગયા અઠવાડિયે અખબારના સંપાદકો અને કાર્યકારી અધિકારીઓની ધરપકડ કરી લેવાઈ છે અને અખબારની 23 લાખ ડૉલરની સંપત્તિની ચીન-હોંગકોંગ સરકાર દ્વારા જપ્ત કરી લેવાતા હવે અખબાર બંધ કરવા નિર્ણય લેવાયો છે.કોમ્યુનિસ્ટ નેતાઓની સંપત્તિ જાહેર કરનાર ‘એપ્પલ ડેઈલી’ અખબારે લોકોમાં ભારે લોકપ્રિયતા ઉભી કરી હતી.આ પહેલાં બુધવારે પોલીસે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવાના આરોપમાં એપ્પલ ડેઈલીમાં સામાજિક મુદ્દે કોલમ લખનારા લી પિંગની ધરપકડ કરી લેવામાં આવી હતી.જાણકારો ના મતે ‘એપ્પલ ડેઈલી બંધ થવાથી તમામ મીડિયા જૂથોને એ વાતનો સંકેત મળ્યો છે કે જો તેઓ સંવેદનશીલ કે મહત્ત્વના રાજકીય બાબતે કઈ લખશે તો તેમની પણ ધરપકડ કરી લેવાશે.

બીજી તરફ,કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સે કહ્યું છે કે, ‘અમે હોંગકોંગની નેક્સ્ટ ડિજિટલ મીડિયા કંપની અને એપ્પલ ડેઈલી અખબારના જેલમાં બંધ સ્થાપક જિમી લાઈને 2021 ગ્વેન ઈફિલ પ્રેસ ફ્રીડમ એવૉર્ડથી સન્માનિત કરીશું.’ આ ઉપરાંત એપ્પલ ડેઈલી વિરુદ્ધ કાર્યવાહીની અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયને આક્રમક ટીકા કરી છે.

હોંગકોંગમાં અધિકારીઓની મનમાનીનો પર્દાફાશ કર્યો

26 વર્ષ જૂના આ અખબારે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં મોટા હોદ્દા પર બેઠેલા નેતાઓની ગુપ્ત સંપત્તિનો પર્દાફાશ કર્યો હતો.આ ઉપરાંત તેણે હોંગકોંગમાં અધિકારીઓની મનમાની સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.આ સાથે આ અખબાર હોંગકોંગમાં લોકશાહી સમર્થક આંદોલનનો અગ્રણી અવાજ બની ગયું હતું.ત્યાર પછી અખબારના મુખ્ય સંપાદક જિમી લાઈ સહિત પાંચ સંપાદકો,અધિકારીઓની રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં નાંખવાના બહાના હેઠળ ધરપકડ કરી લેવામાં આવતા પ્રેસ ફ્રીડમ સામે જોખમ ઉભું થયું છે અને સાચી વાતો બહાર ન આવે તે માટે અવાજ દબાવી દઈ મનમાની કરવાની પિચાશી નીતિની ચોમેરથી ટીકાઓ શરૂ થઈ છે.

Share Now