ગંગાજળથી ‘શુદ્ધ’ થઈ 200 ભાજપ કાર્યકરો તૃણમુલમાં જોડાયા: અનેકે કરાવી નાખ્યો ‘ટકો’

283

નવીદિલ્હી, તા.2 : પશ્ચીમ બંગાળમાં અંદાજે 200 ભાજપ કાર્યકરો તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.તૃણમુલમાં જતાં પહેલાં આ કાર્યકરોએ પોતાના માથાના વાળ મુંડાવી લીધા હતા અને ત્યાં સુધીમાં ગંગાજળ છાંટીને પોતાનું શુદ્ધિકરણ પણ કર્યું હતું.

હુગલી જિલ્લામાં અંદાજે 200 ભાજપ કાર્યકરોએ તૃણમુલ જોઈન્ટ કર્યાનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો છે.વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગંગાજળથી શુદ્ધિ બાદ ભાજપ કાર્યકરો તૃણમુલમાં સમેલ થયા છે. અમુક કાર્યકરો માથાના વાળ મુંડાવી રહ્યા છે.તૃણમુલના સાંસદ અપારુપા પોદ્દારે કહ્યું કે પક્ષ તરફથી આરામબાગમાં ગરીબ લોકોને મફતમાં ભોજન ઉપલબ્ધ કરાવવાને લઈને એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.તૃણમુલ સાંસદનો દાવો છે કે આ કાર્યક્રમ દરમિયાન દલિત સમુદાયના અમુક લોકોએ કહ્યું કે તેમણે ભાજપમાં જઈને ભૂલ કરી દીધી છે જેથી તેઓ ફરીથી પોતાની ભૂલ સુધારીને તૃણમુલમાં સામેલ થવા માંગે છે.આ પછી એક સાથે અનેક લોકો તૃણમુલમાં સામેલ થઈ ગયા હતા.ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસની જીત બાદ પશ્ચીમ બંગાળના અલગ અલગ જિલ્લાઓમાંથી અનેક ભાજપ કાર્યકરો તૃણમુલમાં પરત ફરી ચૂક્યા છે.

આ મહિને બીરભૂમ જિલ્લામાં 50થી વધુ ભાજપ કાર્યકરો તૃણમુલમાં જોડાઈ ગયા હતા.આ લોકોએ તૃણમુલમાં પરત ફરવા માટે પક્ષના કાર્યાલય બહાર ધરણા પણ કર્યા હતા.આ લોકોએ ભૂલ બદલ અફસોસ વ્યક્ત કરતાં તૃણમુલમાં પરત આવ્યાની વાત કહી હતી.ભાજપ આ ઘટનાક્રમને ચૂંટણી બાદ થયેલી હિંસાને જોડી રહ્યો છે.ભાજપ તરફથી કહેવાયું છે કે ચૂંટણી બાદ થયેલી હિંસામાં ભાજપ કાર્યકરો ડરેલા છે અને તેમને વધુ ડરાવી-ધમકાવીને જબરદસ્તીથી તૃણમુલ કોંગ્રેસમાં લેવામાં આવી રહ્યા છે.

Share Now