વલસાડની સ્કૂલોએ કોરોના મહામારીમાં માતાપિતા ગુમાવનાર અનાથ બાળકોની સ્કૂલ ફી કરી માફ

256

વલસાડ : કોરોના મહામારીમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા.ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને તેમાય જે બાળકોએ પોતાના માતાપિતા બંનેને ગુમાવી દીધા તેમની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.આવા બાળકો માટે વલસાડ જિલ્લાની સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોએ મહત્વનો નિર્ણય લીધો છે.શાળા સંચાલક મંડળે નક્કી કર્યુ છે કે આવા બાળકોની સ્કૂલ ફી માફ કરવામાં આવશે.વલસાડ જિલ્લામાં આ પ્રકારના કેસ ઓછા છે પરંતુ હવે આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે જેમાં કોરોના મહામારીએ બાળકોને અનાથ કરી દીધા છે.

વલસાડ જિલ્લામાં 59 સ્કૂલોએ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર દંપત્તિના અનાથ બાળકોને એક વર્ષ માટે કોઈ પણ પ્રકારની ફી લીધા વિના શિક્ષણ આપશે.કપિલ સ્વામી મહારાજે જણાવ્યુ કે, ‘વલસાડ જિલ્લાની સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોએ નિર્ણય કર્યો છે કે કોરોના રોગના કારણે જે કોઈ બાળકોએ પોતાના વાલી ગુમાવ્યા છે અને બાળકો અનાથ થઈ ગયા છે એવા બાળકો પછી ભલે તે ગુજરાતી માધ્યમ હોય કે અંગ્રેજી માધ્યમ, સીબીએસઈ બોર્ડ હોય કે ગુજરાત બોર્ડ તેમની મદદ કરવામાં આવશે.’

વધુમાં તેમણે ઉમેર્યુ કે, ‘સેલ્ફ ફાઈનાન્સ સાથે જોડાયેલી લગભગ 59 સ્કૂલોએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે આવા બાળકોને આ વર્ષ માટે તમામ પ્રકારની ફી માફ કરીને તેમને મદદરૂપ થવુ,બાળકોનુ શિક્ષણ ના બગડે,બાળકોનો વિકાસ થાય.આ હેતુના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.’ તમને જણાવી દઈએ કે ઘણી રાજ્ય સરકારો અને સેવાભાવી સંસ્થાઓ પણ કોરોના કાળમાં અનાથ થયેલા આવા બાળકોની વહારે આવી છે અને અનાથ બાળકોની શિક્ષણની જવાબદારી લઈ રહી છે.ઘણી સ્કૂલોએ ફી ઘટાડી દીધી છે.અમદાવાદની અમુક સ્કૂલોમાં રસી લીધેલ માતાપિતાના બાળકો માટે ફીમાં ડિસ્કાઉન્ટની પણ ઓફર કરવામાં આવી રહી છે.

Share Now