– પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન
તાપી : રાજ્યના આદિવાસી જિલ્લા તાપીમાં હિંદુસ્તાન ઝીંક કંપની મામલે આજે ડોસાવાડામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિસ્તારમાં આ કંપની દ્વારા ઝીંક કંપનીનો પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે.આ અંગે આજે લોક સુનાવણી હાથ ધરાઈ હતી.જોકે, આદિવાસી સમાજ દ્વારા પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સુનાવણી મોકૂફ કરવાની માંગ કરવામાં આવી હતી.હિંસક પ્રદર્શનમાં પોલીસ પર પથ્થરમારો કરવાની સાથે ગાડીઓ ઉંધી વાળી દેવાતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો છે.પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટીયરગેસના સેલ છોડ્યાં હતાં.
ઝીંક કંપનીના વિરોધમાં આદિવાસી પ્રજા હિંસક વિરોધ કર્યો હતો.બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જનો સહારો લીધો હતો.જોકે, લોકોમાં એટલો બધો આક્રોશ હતો કે, પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.બેકાબૂ ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના રાઉન્ડ છો઼ડ્યા હતાં.ત્યારબાદ પોલીસ પર પથ્થરમારો થતા પોલીસની ગાડી ઉંધી વાળી દેવામાં આવી હતી.રસ્તા પર હજારોની સંખ્યામાં ઉતરી આવેલા ટોળાએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
આદિવાસીઓની માંગ હતી કે જીપીસીબીની લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે અને આ વિસ્તારમાં પર્યાવરણને નુકસાન પહોંચે નહીં એટલે આ પ્લાન્ટ અહીંયા સ્થાપવામાં ન આવે.જોકે, મામલો થાળે ન પડતા હિંસક પ્રદર્શન થયું હતું.એક બાજુ રાજ્યમાં માંડ માંડ કોરોનાના કેસ કાબૂમાં આવી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા સોશિયલ ડિસ્ટન્સનો નર્યો ભંગ થયો હતો.જ્યાં જુઓ ત્યાં અફરાતફરાની દૃશ્યો સર્જાયા હતા.
સંભવિત વિરોધના પગલે પોલીસે પણ અગાઉથી મોટો બંદોબસ્ત રાખ્યો હતો છતાં પોલીસ સાથે આદિવાસી સમાજના ઘર્ષણના ભારે દૃશ્યો સામે આવ્યા હતા.જોકે, આદિવાસી સમાજ દ્વારા આ વિરોધ અને બહિષ્કાર કરાતા તંત્ર દ્વારા આ સુનાવણી મોકૂફ રખાઈ હોવાનું સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું પરંતુ જીપીસીબીના અધિકારીઓએ આ અંગે કઈ પણ કહેવાનું ટાળ્યું હતું.તો તાપી જિલ્લાના નવનિયુક્ત કલેકટર પણ આ અંગે કઈ સત્તાવાર નિવેદન આપ્યું નહોતું.
ઉલ્લેખનીય છે કે ઝીંક કંપનીનો એક પ્લાન્ટ આવો રાજસ્થાનના ઝાવર માઇન્સમાં પણ આવેલો છે.અહીંયા પણ આવો વિરોધ અગાઉ થયો હતો પરંતુ આજે તેના વિકાસના દૃશ્યો જોતા તમને લાગશે નહીં કે ખરેખર આ રણપ્રદેશમાં ડુંગરાળ વિસ્તારનો ભાગ છે.આવી કંપનીઓનાં આવવાથી સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય છે તેમાં પણ બે મત નથી.