હરિભક્તો માટે દુખદ સમાચાર : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા

275

વડોદરા : હરિભક્તો માટે દુખના સમાચાર સામે આવ્યા છે.સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે. 88 વર્ષની ઉંમરે તેમનુ નિધન થતા હરિભક્તો શોકમય બન્યા છે.સ્વામીજી BAPS ના પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ ભાઈ હતા.સોમવારે મોડી રાત્રે 11 વાગે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં નશ્વર દેહ છોડયો છે.લાંબા સમયથી સ્વામીજીની તબિયત નાદુરસ્ત રહેતી હતી.ત્યારે આજે સવારે 11 વાગે પાર્થિવ દેહ સોખડા મંદિરે લઈ જવાશે.

લાખો હરિભક્તો આઘાતમાં

સ્વામી હરિપ્રસાદના દેશ વિદેશમાં રહેતા લાખો ભક્તો આઘાતમાં સરી પડ્યા છે.યોગી ડિવાઈન સોસાયટી દ્વારા તેમના નિધનની જાહેરાત કરવામાં આવી છે.તેમજ હરિધામ સોખડા દ્વારા ટિ્વિટ કરીને સ્વામીજીના અક્ષરવાસ વિશે માહિતી આપવામાં આવી છે.સોસાયટી દ્વારા કહેવાયું કે, અનુપમ આત્મીયતા,અનેરી સરળતા,આગવી સહજતા,અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું.તેઓની આધ્યાત્મિક્તાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. આપણી વચ્ચે તેઓની પ્રત્યક્ષ અનુપસ્થિતિના અા વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે-ગુરુહરિચરણે અંતરની પ્રાર્થના.

રવિવારે અંતિમ સંસ્કાર કરાશે

સોખડાના સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટેનો કાર્યક્રમ સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.મંગળવાર 27 જુલાઈથી શનિવાર 31 જુલાઈ સુધી તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ રવિવાર 1 ઓગસ્ટના રોજ તેમની અંતિમ સંસ્કાર વિધી થશે. આ ત્રણ દિવસ દરમિયાન દેશવિદેશના ભક્તો અંતિમ દર્શન માટે આવશે.અંતિમ દર્શન માટે પ્રદેશ વાઈઝ દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરવામા આવ્યો છે.

Share Now