મુંબઈ : શિવસેનાના સંસદ સભ્ય સંજય રાઉતે રવિવારે રાજકીય નેતાઓ અને પત્રકારોની જાસૂસી માટે નાણાં કોણે આપ્યા હતા તેની તપાસની માંગણી કરી હતી અને સમગ્ર વિવાદને ‘હીરોશીમા બોમ્બિંગ’ સાથે સરખાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, જાપાનના શહેર પર હુમલાથી લોકોનાં મોત થયા હતા.જ્યારે ઇઝરાયેલી સોફ્ટવેર દ્વારા જાસૂસીથી ‘સ્વતંત્રતાનું મૃત્યુ’ થયું છે.સેનાના મુખપત્ર ‘સામના’માં સાપ્તાહિક કોલમમાં રાઉતે લખ્યું હતું કે, “આધુનિક ટેક્નોલોજીએ આપણને ફરી ગુલામીમાં ધકેલી દીધા છે.” તેમણે જણાવ્યું હતું કે, પેગાસસનો કેસ હીરોશીમા પર થયેલા પરમાણુ બોમ્બ હુમલા જેવો જ છે.હીરોશીમામાં લોકોના મોત થયા હતા. જ્યારે પેગાસસ કેસમાં સ્વતંત્રતાનું મૃત્યુ થયું છે.” તેમણે કહ્યું હતું કે, “રાજકીય નેતાઓ, ઉદ્યોગ સાહસિકો અને સામાજિક ચળવળકારોને આશંકા છે કે તેમની જાસૂસી થઈ રહી છે.ન્યાયતંત્ર અને મીડિયા પણ આ જ દબાણમાં છે.રાષ્ટ્રીય રાજધાનીમાં સ્વતંત્રતાનો માહોલ થોડા વર્ષો પહેલાં જ પૂરો થઈ ચૂક્યો હતો.”
ઇઝરાયેલી સોફ્ટવેર દ્વારા જાસૂસી માટે નાણાં કોણે ચૂકવ્યા હતા તેની જાણકારી રાઉતે માંગી હતી.એક મીડિયા અહેવાલને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી કંપની એનએસઓ દ્વારા પેગાસસ સોફ્ટવેર માટે વાર્ષિક રૂ.૬૦ કરોડની લાઇસન્સ ફી ચાર્જ કરાઈ હતી.એક લાઇસન્સની મદદથી ૫૦ ફોન હેક કરી શકાય.એટલે ૩૦૦ ફોન્સના ટેપિંગ માટે છ-સાત લાઇસન્સ જરૂરી છે એવો આરોપ રાજ્યસભાના સાંસદ રાઉતે મૂક્યો હતો.રાઉતે પ્રશ્ન કર્યો હતો કે, “આટલા બધા નાણાં ખર્ચાયા હતા? તેની ચૂકવણી કોણે કરી હતી? એનએસઓના જણાવ્યા અનુસાર તે માત્ર સરકારોને જ સોફ્ટવેરનું વેચાણ કરે છે.ભારતમાં ૩૦૦ લોકોની જાસૂસી માટે રૂ.૩૦૦ કરોડ ખર્ચાયા હતા. જાસૂસી પાછળ આટલા મોટા ખર્ચની દેશની ક્ષમતા છે?”