બારડોલી : બારડોલીમાં સ્ટેશન રોડ પર આવેલી સિટી સર્વે નંબર 5341 વાળી જમીન પર ચાલી રહેલ કથિત ગેરકાયદે બાંધકામમાં જમીન મહેસૂલ કાયદાની જોગવાઈ મુજબ શરત ભંગ કરવામાં આવી હોવાનું મામલતદારની તપાસમાં બહાર આવ્યું છે. વર્ષ 1989માં રહેણાક હેતુ માટે બિન ખેતી પરવાનગી આપવામાં આવી હતી.જેના પર રિવાઇઝડ કર્યા વગર જ પાંચ માળનું કોમર્શિયલ બાંધકામ કરી દેવામાં આવ્યું છે.હાલ જિલ્લા કલેક્ટર દ્વારા જ્યાં સુધી નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી બાંધકામ જૈસે થે સ્થિતિ જાળવી રાખવાની સૂચના આપવામાં આવી છે.જો કે તેમ છતાં અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાઓને ગજવામાં લઈને ચાલતા બિલ્ડરોએ બિન્દાસ્ત બાંધકામ ચાલુ રાખ્યું હતું.
બારડોલીના સ્ટેશન રોડ પર સિટી સર્વે નંબર 5341 વાળી જમીનમાં ચાલી રહેલ બાંધકામ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યું છે.પાલિકા દ્વારા વિકાસ પરવાનગી આપવામાં આવ્યા બાદ ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા સામે પણ કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ જ આક્ષેપોને લઈ ગાંધીનગરથી વિજિલન્સની ટીમ પણ તપાસ માટે આવી ચૂકી છે.તપાસ દરમ્યાન ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા અને અન્ય કર્મચારીઓને ચાર કલાક સુધી બંધ બારણે પૂછપરછ કરી ફાઈલો ગાંધીનગર લઈ ગયા હતા.દરમ્યાન સુરત જિલ્લા કલેટર દ્વારા પણ ફરિયાદના આધારે સદર જમીનમાં શરતભંગ થયો છે કે કેમ તેની તપાસ કરવા માટે બારડોલી મામલતદારને સૂચના આપતા મામલતદાર જીજ્ઞા પરમારે સર્કલ ઓફિસર મારફત સ્થળ તપાસ કરાવી હતી.જેમાં નિરીક્ષણ દરમ્યાન જાણવા મળ્યું હતું કે સિટી સર્વે નંબર 5341/બ વાળી જમીનમાં હાલ પાંચ માળનું બાંધકામ થયેલું છે.જેને 27/10/1989ના રોજ રહેણાક હેતુ માટે બિનખેતી પરવાનગી આપવામાં આવી હતી જો કે તેમ છતાં 13/11/2020ના રોજ નગરપાલિકા બારડોલી તરફથી વિકાસ પરવાનગી આપી દીધી હતી.તપાસ દરમ્યાન આ જમીન 1989માં રહેણાક હેતુ માટે બિનખેતી થઈ હતી પરંતુ કોમર્શિયલ હેતુ માટે રિવાઇઝડ પરવાનગી મેળવવામાં આવી ન હતી.માટે બારડોલી નગરપાલિકાની વિકાસ પરવાનગીના આધારે કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જે શરત ભંગ થઈ હોવાનું તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.