– પાલિકાના દબાણ ખાતાના કર્મચારીઓ અને લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું
સુરત : સુરત શહેરમાં વરાછાના માતાવડી વિસ્તારમાં દબાણ દૂર કરવા આવેલા પાલિકાની ટીમ અને લારીવાળા વચ્ચે માથાકૂટ થયા બાદ છુટ્ટાહાથની મારામારીના દૃશ્યો સર્જાયા હતા.જાહેરમાં પાલિકાના દબાણ ખાતાના કર્મચારીઓ અને ભરચોમાસે પસીનો પાડી પેટિયું રળી ખાતા લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.જોકે રાહદારી લોકોએ મધ્યસ્થી કરી બન્ને પક્ષકારોને છુટા પાડતા મામલો થાળે પડ્યો હતો.
સુરતમાં શાકભાજી અને ફ્રૂટ વેચી શ્રમજીવીઓ એક ટાઈમનું કમાઈને પોતાના પરિવારનું પેટીયું રળે છે.પરંતુ સુરતમાં દબાણખાતાની ટીમ દબાણના નામે તેઓની લારીઓ જપ્ત કરી લે છે.આવી અનેક ઘટનાઓ સુરતમાં સામે આવી ચુકી છે અને વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને ભૂતકાળમાં સુરતમાં વિરોધ પણ થયો છે અને અધિકારીઓ સાથે ઘર્ષણ પણ સર્જાયું છે.પરંતુ આ વીડિયો વાઇરલ થતા દબાણ ખાતાની આવી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કોરોનાની મહામારી અને કડક નિયંત્રણોને લઈને દરેક વર્ગના લોકોની આર્થિક રીતે હાલત મુશ્કેલીમાં મુકાયા છે.બીજી તરફ સુરતમાં વિવિધ નિયમનો હેઠળ રોડ પર પાથરણું કરી અથવા લારી ચલાવી શાકભાજી વેચતા લોકો પર દબાણ ખાતા દ્વારા ક્રાયવાહી કરવામાં આવે છે. ભૂતકાળમાં તેને લઈને અનેક ઘર્ષણના વીડિયો પણ સામે આવી ચુક્યા છે.ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે.
સુરતમાં 8 દિવસ પહેલા દબાણખાતાની દાદાગીરી સામે આવી હતી.એક ટાઈમનું કમાઈને એક ટાઈમનું પેટીયું રળતા લોકોને દબાણ ખાતાની ટીમ ખોટી રીતે હેરાનગતી કરી રહી હોવાનું સામે આવ્યું હતું.લિંબાયત-ડીંડોલી વિસ્તારમાં દબાણ ખાતાની ટીમ દ્વારા એક શ્રમજીવીની લારી ઉંચકી લેવામાં આવી હતી.જેનો વીડિયો પણ વાઇરલ થયો હતો. જેમાં એક શ્રમજીવી અધિકારીના પગ પકડીને લારી ન લઇ જવા માટે હાથ જોડે છે અને તે રીતસરનો રડે છે.પણ અધિકારીએ તેની એક ન સાંભળી અને તેની લારી લઇ ગયા હતા.