સ્વીટી મર્ડર કેસમાં ભાઈએ નવો ફણગો ફોડ્યો, કર્યો મોટો આક્ષેપ : કરજણ પોલીસની PIને બચાવવા ખુલ્લેઆમ મદદગારી

296

સ્વીટી મર્ડર કેસની તપાસની બાગડોર અમદાવાદ પોલીસે સંભાળ્યા બાદ હત્યાના રહસ્ય ઉપરથી પડદો ઊંચકાયો છે ત્યારે લગાતાર 40 દિવસ સુધી ગુમની થીયરી ઉપર તપાસ ચલાવીને વડોદરા જિલ્લા એસ.ઓ.જી.ના આરોપી પી.આઈ. અજય દેસાઈને મદદગારી કરનારા કરજણ પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે તપાસ કરવા સ્વીટીના ભાઈએ રાજય પોલીસ મહા નિર્દેશકને લેખીત રજુઆત કરી છે.આ ઉપરાંત સ્વીટીના બે વર્ષના માસુમ પુત્ર અંશની કસ્ટડી મેળવવાની માંગણી કરી છે.

વડોદરા જિલ્લાના સ્પેશીયલ ઓપરેશન ગૃપમાં ફરજ બજાવતા પી.આઈ. અજય દેસાઈ તેની બીજી પત્ની સ્વીટી સાથે કરજણ નવા બજાર,પ્રયોશા સોસાયટીમાં રહેતા હતા.ગઈ તા. 4થી જૂને મોડીરાતથી વહેલી સવાર સુધીના સમયગાળામાં અજય દેસાઈએ સ્વીટીની હત્યા કરી હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આ રહસ્ય ઉપરથી પડદો ઉંચકાયો હતો. બાકી કરજણ પોલીસની ભમિકા શંકાસ્પદ રહી હતી.

સ્વીટીના ભાઈ જયદિપ મહેન્દ્રભાઈ પટેલ (રહે, લીમડાવાળુ ફળીયુ, પણસોરા, ઉમરેઠ, આણંદ)એ તેમના વકીલ ભૌમિક શાહ મારફતે રાજયના પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયાને લેખીત રજુઆત કરી છે.જેમાં જણાવ્યુ છે કે, મારી બહેન કરજણથી ગૂમ થઈ હોવા છતાં સ્વીટી પણસોરા ગામમાંથી ગૂમ થઈ છે તેવી અરજી ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આપવા માટે બનેવીએ દબાણ કર્યુ હતુ.મારી બહેન ગૂમ થઈ છે.તેવી ફરીયાદ ખુદ જયદિપે કરજણ પોલીસમાં આપી છે. જયદિપ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપવા ગયો હતો.ત્યારે ફરીયાદ તૈયાર હતી.માત્ર નામ અને સરનામુ લખવાનું બાકી હતુ.કરજણ પોલીસે આરોપી પતિની મદદગારી કરી હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો.સ્વીટીની હત્યા પછી હાલમાં આરોપી બનેવીના સગાની કસ્ટડીમાં રહેલાં બે વર્ષના માસુમ પુત્ર અંશની કસ્ટડી મેળવવાની પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા પોલીસ વડા સમક્ષ માંગણી કરી છે.

સ્વીટીની હયાતીમાં બનેવીએ બીજા લગ્ન કર્યાંનો આક્ષેપ

જયદિપ પટેલે પોલીસ વડાને કરેલી લેખીત રજુઆતમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે સ્વીટી સાથેના લગ્ન પછી બનેવી અજય દેસાઈએ પૂજા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.જયદિપે કરેલા આક્ષેપથી સમગ્ર પ્રકરણમાં નવો ફણગો ફૂટયો છે. સ્વીટીની હત્યા કરવા પાછળના મુખ્ય કારણોમાં આ પણ એક કારણ હોઈ શકે છે તેવી આશંકા વ્યકત કરી હતી.

Share Now