વડોદરા તા.3 : કરજણની પ્રયોશા સોસાયટીમાં સ્વીટીની ગળું દબાવી ઠંડે કલેજે પીઆઇ પતિ અજય દેસાઇએ હત્યા કર્યા બાદ સ્વીટીના સંબંધીઓમાં પીઆઇ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્વીટીના ભાઇએ પીઆઇ દેસાઇ સામે એસીબી અને રાજ્યના પોલીસવડાને ફરિયાદ કર્યા બાદ હવે સ્વીટીના પ્રથમ પતિના સૌથી મોટા પુત્ર રિષભે પણ ઓસ્ટ્રેલિયાથી મદદ માટે સોશિયલ મિડિયામાં અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે સ્વીટીના પ્રથમ લગ્ન હેતસ પંડયા સાથે થયા હતાં. આ લગ્ન થકી સ્વીટીને બે પુત્રો હતાં.હેતસ પંડયા સાથે સ્વીટીના છૂટાછેડા થયા બાદ હેતસ બંને પુત્રોને લઇને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલ છે.પંડયા પરિવાર દ્વારા સ્વીટી ગુમ થવાની તપાસની માંગણી કરવામાં આવ્યા બાદ સમગ્ર પોલીસતંત્ર દોડતું થયું હતું અને આખરે સ્વીટીની હત્યા પતિ અજય દેસાઇએ જ કરી હોવાનું બહાર આવતા અજય દેસાઇ તેમજ સ્વીટીની લાશને વગે કરવામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હાલ બંને રિમાન્ડ ઉપર છે.
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા સ્વીટીના સૌથી મોટા પુત્ર રિષભને માતાની બહું ચિંતા હતી અને ફેસબુક પર વ્હેર ઇઝ માય મોમ પેજ પર તે સતત મદદ માંગતો હતો.રિષભે ગઇકાલે ફેસબુક પર લખેલ પોસ્ટમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી અમે સંપર્કમાં નથી પણ અમે માનસિક રીતે તૈયાર નહોતા અને થોડો સમય આપવા માંગતા હતાં.જે લોકોએ અમને અત્યાર સુધી સાથ આપ્યો છે અને અમારા અવાજને સાચા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી છે એ લોકોના,ગુજરાત પોલીસના અમે ખૂબ આભારી છીએ.
રિષભે પોતાની પોસ્ટ પર ઉલ્લેખ કર્યો છેકે આપ સૌએ સચ્ચાઇ શોધવામાં અમારી ખૂબ મદદ કરી છે હવે એનાથી મોટી મદદની જરૃર છે.મારી મમ્મીને આવું અમાનવીય મોત આપવાવાળાને,અમારા બે વર્ષના નિર્દોષ ભાઇ અંશને એની માંથી અલગ કરી દેનારને કડક સજા મળે એવો અમારો ધ્યેય છે.પોલીસ એનું કામ કરી જ રહી છે,તેમ છતાં સોનો સાથ જોઇએ છે.