વડોદરા : વડોદરાના હરણી એરપોર્ટ ઉપર પોતાની બેગ માં દારૂની બોટલો ના જથ્થા સાથે ઝડપાયેલા પાર્થ શ્રીમાળીને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વિગતો મુજબ બુધવારે સાંજે દિલ્હીથી વડોદરા હરણી એરપોર્ટ ઉપર આવેલી એર ઇન્ડીયાની ફ્લાઇટ માંથી મુસાફરો ઉતર્યા હતા તેઓ આગમન ગેટ પાસે આવી રહ્યા હતા તે સમયે એક ટ્રોલી પર પાંચ બેગો તથા ખભા પર બે બેગો ભરાવીને બહાર આવી રહેલા બે યુવક ની પોલીસે પુછપરછ કરતાં તેમના નામ પાર્થ મુકેશભાઇ શ્રીમાળી (રહે, મહાલક્ષ્મી સોસા.એરપોર્ટ રોડ) તથા યાંત્રીક ઉર્ફે સોનું દિલીપ શ્રીમાળી (રહે, ક્રિષ્ના પાર્ક, પાદરા) હોવાનું જણાયુ હતું.પોલીસે બંનેને પોલીસ સ્ટેશને લઇ આવી ખભા પાછળ લટકાવેલી 2 બેગ તથા તેમની પાસે રહેલી અન્ય 5 બેગોમાં ચકાસણી કરતાં ખભે લટકાવેલી બેગોમાંથી દારુની 7 બોટલ અને 5 સુટકેસ પૈકી દરેકમાંથી દારુની 6 બોટલોમળીને 37 બોટલો મળી આવી હતી.દરમિયાન આ બન્ને પૈકી પાર્થ ભાજપનો કાર્યકર હોવાનું ખુલ્યું હતું જેમાં પાલિકાના વોર્ડ નંબર 3 ના ભાજપના કાર્યકર પાર્થ શ્રીમાળીનું નામ દારૂ લાવવામાં ખુલતા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે પ્રદેશ સંગઠનના આગેવાનોને જાણ કરીને ચર્ચા કરી હતી.ડો.વિજય શાહે ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતોને વરેલી હોવાથી આવા પ્રકારની ગેરશિસ્ત કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તેવી તાકીદ સાથે પાર્થ શ્રીમાળીને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી બરતરફ કરતો હુકમ કરતા સ્થાનિક રાજકારણમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.