વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં હોદ્દા પર બેઠેલા રાજનેતાઓની ઓફિસમાં એક જ વર્ષમાં રૂ.6.88 લાખનો ચા-પાણી-નાસ્તો ઝાપટી ગયા હતાં.જેમાં સત્તાધારી પક્ષ ભાજપના હોદ્દેદારોએ રૂ.5.63 લાખ અને વિપક્ષની ઓફિસમાં રૂ.1.25 લાખનો ખર્ચ થયો હતો.આખરે કોના બાપની દિવાળી? હજૂ ચાલુ વર્ષે કેટલાનુ બિલ થશે? તે વિશે ચર્ચા જાગી છે.
શહેરની પ્રજા ખૂન-પસીનાની કમાણીમાંથી કોર્પોરેશનમાં વેરો ભરે છે પરંતુ તે વેરાની આવકમાંથી કરકસરથી ખર્ચ કરવાને બદલે કોર્પોરેશનના હોદ્દેદારો મનફાવે તેવા ખર્ચા કરે છે.મેયર,ડેપ્યુટી મેયર,સ્થાયી સમિતિ,વિવિધ સમિતિઓ અને શાસક પક્ષના નેતાની ઓફિસમાં જે ચા-પાણી- નાસ્તો વર્ષ 2020-21માં થયો હતો તેનો ખર્ચ રૂ.5,63,167 થયો હતો.જે બિલ કોર્પોરેશનની તિજોરીમાંથી ચૂકવાયુ હતુ જ્યારે વિરોધ પક્ષની ઓફિસમાં રૂ.1,25,257નુ બિલ થયુ હતુ.જે પણ કોર્પોરેશને ચૂકવ્યુ હતુ.
આ જ રીતે, વર્ષ 2019-20માં કોર્પોરેશનની તિજોરીમાંથી આ હોદ્દેદારોના ચા-પાણી-નાસ્તા પાછળ રૂ.10,40,324નો ખર્ચ થયો હતો.જે પૈકી સત્તાધારી પક્ષ ભાજપના હોદ્દેદારોની ઓફિસનો ખર્ચ રૂ. 8,40,344 થયો હતો.જ્યારે વિપક્ષની ઓફિસમાં ખર્ચ રૂ. 1,99,980 થયો હતો. હજૂ તો વર્ષ 2021-22નો ખર્ચ થયો છે તેનો તો હિસાબ જ થયો નથી. હવે કોર્પોરેશનની તિજોરીમાંથી કેટલો ખર્ચ કરાશે તે ચર્ચાનો વિષય બન્યો છે.
કંઈ ઓફિસમાં કેટલાનો ચા-નાસ્તો કરાયો?
કચેરી 2019-20 ૨૦૨૦-૨૧
– મેયર રૂ.1,81,369 રૂ.1,36,298
– ડે. મેયર રૂ.1,97,611 રૂ.1,08,501
– સ્થાયી સમિતિ રૂ.2,24,878 રૂ.1,73,829
– વિવિધ સમિતિ રૂ.36,500 રૂ.33,000
– વિરોધ પક્ષ રૂ.1,99,980 રૂ.1,25,257
– નેતા શાસકપક્ષ રૂ.1,99,986 રૂ.1,11,539
– કુલ ખર્ચ રૂ. 10,40,324 રૂ.6,88,424
કોર્પોરેશનના હોદ્દેદારો કોર્પોરેશનનુ પાણી પીતા નથી,જગ અને બોટલો મંગાવે છે
શહેરીજનોને ચોખ્ખુ પાણી વિતરણ કરાતુ હોવાની વાતો ભલે કોર્પોરેશનના હોદ્દેદારો કરતા હોય પરંતુ સત્ય તેઓ પણ જાણે છે કે કોર્પોરેશન કેવી ક્વોલિટીનુ પાણી વિતરણ કરે છે ? અને એટલે જ કોર્પોરેશન ખાતે આવેલી મેયર,ડે.મેયર,સ્થાયી સમિતિના ચેરમેન,સ્થાયી સમિતિ જ નહીં પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ પણ કોર્પોરેશનનુ પાણી પીતા નથી. તેઓ પાણીની બોટલો મંગાવે છે અને તેમની કચેરીમાં પાણીના જગ મૂકવામાં આવેલા છે.
વિપક્ષનુ પદ જતા કૉંગ્રેસના નેતાએ ખિસ્સાના ખર્ચા કરવાનો વારો
કોર્પોરેશનમાં કૉંગ્રેસને વિપક્ષનુ પદ આપવામાં આવેલુ નથી.જેથી અમી રાવતને કોર્પોરેશનના કૉંગ્રેસના નેતા છે.વિપક્ષી નેતા તરીકે તેમને પદ નહીં મળતા તેમની કચેરીમાં થતા ખર્ચાઓ કૉંગ્રેસે પોતે ભોગવવાનો વારો આવ્યો છે.અમી રાવત તો જે કોઈ લેખિત રજૂઆતો કરે છે તે કાગળો જાતે જ ટાઈપ કરવા માટે ઘરેથી લેપટોપ લઈને કોર્પોરેશન ખાતે આવે છે.તેમજ તેમનો ચા-પાણી- નાસ્તાનો દર મહિને રૂ.10 હજારનો ખર્ચ પોતાના ખીસ્સામાંથી ભોગવે છે.