પાટણમાં 1984થી ભાજપના જૂના કાર્યકરે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું : આક્ષેપ કર્યો કે, પાર્ટીમાં ભાજપના જુના કાર્યકર્તાઓ અકળાઈ રહ્યા છે

274

રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાને લઈને રાજ્યમાં અલગ-અલગ જગ્યાઓ પર કાર્યક્રમોની ઉજવણી થઇ રહી છે.એક તરફ સરકાર અલગ-અલગ જગ્યાઓ પર ઉજવણીઓ કરીને પોતાની સિદ્ધિઓ દર્શાવી રહી છે.તો બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી હોવાનું સામે આવી રહ્યું છે.મહત્ત્વની વાત છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં આવતા જ તેમણે મોટા-મોટા હોદ્દા આપી દેવામાં આવે છે અને આ જ કારણે ભાજપના પાયાના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાનું કાર્યકર્તાઓને લાગી રહ્યું છે.આ જ કારણને લઈને પાટણમાં ભાજપના જૂના કાર્યકરે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે.ભાજપના કાર્યકર્તા એ પાટણ ભાજપ કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસની શરૂઆત કરી છે અને આ જ કારણે સ્થાનિક ભાજપના આગેવાનો દોડતા થયા છે.

રિપોર્ટ અનુસાર પાટણમાં ભાજપના જૂના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાનો આક્ષેપ ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા રુદ્રદત્ત રાવલે કર્યો છે.આ જ કારણને લઈને રુદ્રદત્ત રાવલ પાટણ ભાજપ કાર્યાલયની બહાર આમરણાંત ઉપવાસ પર બેઠા છે.આ વાતની જાણ ભાજપના નેતાઓ અને સ્થાનિક આગેવાનોને થતા તેઓએ તાત્કાલિક ભાજપના પાયાના કાર્યકર્તા રુદ્રદત્ત રાવલના આમરણાંત ઉપવાસ પૂર્ણ કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

રુદ્રદત્ત રાવલ પાટણ ભાજપ કાર્યાલયની બહાર આમરણાંત ઉપવાસ પર બેઠા હોવાના કારણે પાટણ ભાજપ શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી સહિતના કાર્યકર્તાઓ તેમની પાસે દોડી આવ્યા હતા અને આ બાબતે કિશોર મહેશ્વરીએ જણાવ્યું હતું કે, સમયે સમયે કાર્યકર્તાઓને હોદ્દા મળતા હોય છે અને જવાબદારી આપવામાં આવતી હોય છે. પણ કોઈ ખાસ હોદ્દો મળવાની માગણી હોય તો તે ન મળી હોય જેને લઇને નારાજગી સામે આવી છે.પણ હોદ્દા આપવાનો નિર્ણય પ્રદેશ કક્ષાએથી થતો હોય છે.પણ આ ઘટનામાં ઘણી મહત્વાકાંક્ષા હોય તેવું લાગી રહ્યું છે.પણ પાર્ટીમાં આ પ્રકારની સિસ્ટમ નથી.

રુદ્રદત્ત રાવલ આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં ભાજપના જુના કાર્યકર્તાઓ અકળાઈ રહ્યા છે અને હવે તેઓ ગળે આવી જતા આ પગલું ભરવું પડ્યું છે.મા-બાપ પછી પાર્ટી જ મા-બાપ છે અને અમારું ઘર છે.પણ હવે એવું લાગી રહ્યું છે કે, હવે કાંઈ લેવું હોય, જે કંઈ માગવું હોય તો મા-બાપ સામે સંઘર્ષ કરવો પડે તેમ છે.પાર્ટીમાં માન-સન્માન મોભો મળી રહે તે માટે હવે હોદ્દો જરૂરી લાગતાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ફરજ પડી છે.હું 1984થી ભાજપ સાથે જોડાયેલો છું અને અનેક જવાબદારી નિભાવી છે.પણ હવે જૂના કાર્યકર્તાઓની અવગણના થતી હોય તેવું મને લાગી રહ્યું છે.

Share Now