સુરત : સુરતના સવજી ધોળકિયાનું હરેકૃષ્ણ ગ્રુપ મહિલા હોકી ટીમના ખેલાડીને 2.5 લાખ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે.હોકી ટીમના તમામ ખેલાડીઓને સુરત બોલાવીને તેઓ સન્માનિત કરાશે.તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે હોકી ટીમને પુરસ્કાર આપવાનું આયોજન કરશે.ત્યારે હોકી ટીમના ખેલાડીઓની ગરિમા જળવાઈ ખેલાડીઓનું માન-સન્માન વધે તેવા પ્રયાસ સુરતના ડાયમંડ કિંગ દ્વારા કરવામાં આવનાર છે.
હોકી ટીમની મેચ પણ ગોઠવાશે
આ સન્માન બદલ સવજી ધોળકિયાએ જણાવ્યું કે, અત્યાર સુધી કોઇ પણ રમતના ખેલાડીઓને હાર પછી કોઈએ સન્માન કર્યું હોય એવું સાંભળવામાં આવ્યું નથી.આપણે સાબિત કરવું છે કે નિષ્ફળતા એ સફળતાની વિરુદ્ધ નથી.ભવિષ્યમાં ખૂબ મહેનત કરીને ભારતને સફળતા અપાવવા દરેક ખેલાડી પોતાની તમામ શક્તિ કામે લગાડે તે માટે આ પ્રોત્સાહન રૂપે પુરસ્કાર અપાશે.જ્યારે સુરત પુરસ્કાર આપવા માટે બોલાવીશું ત્યારે શક્ય હશે તો અન્ય ટીમ સાથે મેચ ગોઠવીશું.ખેલાડીઓની ગરિમા જળવાઈ ખેલાડીઓનું માન-સન્માન વધે આપણી રાષ્ટ્રીય રમત ને પણ વેગ મળે તે પ્રમાણે દેશના દરેક વ્યક્તિ વિચારતા થાય તેવો અમારો પ્રયાસ છે.
ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2021મા શાનદાર પ્રદર્શન કર્યું છે.ટીમ ઈન્ડિયા સેમી ફાઈનલ સુધી પહોંચી હતી.ભલે ટીમ ઈન્ડિયા ઓલિમ્પિક જીતી ન હોય,પણ તેમના શાનદાર પરફોર્મન્સના ભારે વખાણ થયા છે. તેથી જ સવજી ધોળકિયા દ્વારા તેમને પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, સવજી ધોળકિયાએ મહિલા હોકી ટીમને જીતવા પર 11 લાખ રૂપિયાનું ઈનામ,ઘર અથવા નવી કાર આપવાની જાહેરાત કરી હતી.પરંતુ ટીમ ઈન્ડિયા જીત મેળવી શકી નથી.પરંતુ હાર બાદ પણ હોકી ટીમને તેઓ સન્માનિત કરશે.